ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘોડાગાડીની રેસ

02 December, 2014 05:53 AM IST  | 

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘોડાગાડીની રેસ



ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુલુંડમાં રવિવારે વહેલી સવારે ઘોડાગાડીની રેસ લગાડનારા અને એમાં ભાગ લેનારા ચાર લોકોની મુલુંડની નવઘર પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ આના પર સટ્ટો પણ રમ્યો હોવાની પોલીસને શંકા છે.

પોલીસના કહેવા મુજબ રવિવારે સવારે ઘોડાગાડીની આ રેસમાં પાંચ ઘોડાગાડીઓ જોડાઈ હતી. દરેકમાં ઘોડાગાડી હાંકનારો એક ડ્રાઇવર સહિત તેનો સાથીદાર હતો. ઘોડાગાડીની ગેરકાયદે રીતે રેસ થવાની હોવાની ટિપ મળી હતી એના આધારે પોલીસે રવિવારે સવારે છટકું ગોઠવીને તેમને પકડી પાડ્યા હતા.

નવઘર પોલીસના કહેવા મુજબ રેસ સવારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુલુંડમાં મૌર્ય લેકથી શરૂ થઈ હતી જે ઘાટકોપર જંક્શન સુધી જવાની હતી. રેસ સવારે ૬ વાગ્યે શરૂ થઈ હતી અને ૫૦થી પણ વધુ લોકો ત્યાં જોવા મળ્યા હતા જેઓ મોબાઇલ પર આ રેસને રેકૉર્ડ કરી રહ્યા હતા. આ લોકો ફક્ત રેસ જોવા માટે આવેલા શ્રોતાઓ હતા કે પછી તેમણે આ રેસ પર બેટિંગ પણ લગાવી હતી એની તપાસ પણ કરવામાં આવી રહી છે.

રવિવારે સવારે પોલીસ જ્યારે પહોંચી હતી ત્યારે ઘોડાગાડીની રેસ ઑલરેડી શરૂ ગઈ હતી અને ઘોડાગાડીઓ ઐરોલી જંક્શન પાસે પહોંચી ગઈ હતી અને તેમનો પીછો કરીને તેમને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસના કહેવા મુજબ રવિવારે પકડવામાં આવેલા ચાર લોકો છેલ્લા ૧૮ મહિનાથી આવી રેસમાં ભાગ લઈ રહ્યા છે. ફક્ત રેસની જગ્યાઓ બદલાતી રહે છે.