સિરિયલ પ્રોડ્યુસરના અપહરણ બદલ ચારની ધરપકડ

10 November, 2020 04:23 PM IST  |  Mumbai | Samiullah Khan

સિરિયલ પ્રોડ્યુસરના અપહરણ બદલ ચારની ધરપકડ

આરોપીઓ આશોક યાદવ (ડાબે) અને તેજસ લોણે

કૉમેડી ટીવી સિરિયલ ‘ચુલબુલી ચાચી’ના પ્રોડ્યુસર્સમાંના એકનું કથિત રીતે અપહરણ કરવા બદલ સિરિયલના ભૂતપૂર્વ પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ યુનિટના ત્રણ સભ્યોની માલવણી પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રોડ્યુસરને શૂટિંગના બંગલામાં લગભગ છ કલાક સુધી પૂરી રાખી તેની પાસે સ્ટેમ્પ પેપર પર તે યુનિટના તમામ સભ્યો અને અૅક્ટરોના બાકી નીકળતાં નાણાં ચૂકવી દેશે એવું લખાણ લખાવ્યું હતું.
પોલીસે પ્રોડ્યુસર ડિરેક્ટર અશોક યાદવ અને પ્રોડક્શન કંટ્રોલ યુનિટના ત્રણ સભ્યો તેજસ લોણે, સતીશ ઝા અને અશફાક પઠાણની સામે કેસ નોંધી ચારે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના સૂત્રોએ જણાવ્યા મુજબ સચિન શિંદેએ અનેક મરાઠી નાટકો અને સિરિયલ્સમાં કામ કર્યું હતું. મહામારીને કારણે ‘ચુલબુલી ચાચી’નું શુટિંગ અટકી જતાં પ્રોડ્યુસર્સ નવા ફાઇનૅન્સર્સની શોધ કરી રહ્યા હતા.
ચાલુ વર્ષના જૂન મહિનાથી શિંદેએ તેના પ્રોડક્શન હાઉસ સુમંગલમ પ્રોડક્શનના નેજા હેઠળ આ સિરિયલ પ્રોડ્યુસ કરવાની તૈયારી વ્યક્ત કરી યાદવ સાથે જોડાણ કર્યું.
આગળના પ્રોડક્શન હાઉસ દ્વારા સ્ટાફ અને કલાકારોને ૧૦ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી શિંદેએ અશોકને પૈસા આપ્યા હતા જેથી શુટિંગ ચાલુ રહી શકે.
યાદવ અને લોણેએ આ નાણાં પોતાની પાસે રાખી લીધાં અને સ્ટાફને અને કલાકારોને શિંદે પાસે માગવા જણાવ્યું.
ત્યાર બાદ યાદવ અને લોણેએ ઝા અને પઠાણ સાથે મળીને શિંદેનું અપહરણ કર્યું અને કોરા સ્ટેમ્પ પેપર પર તેની પાસે સહી કરાવી તેનો જીવ લેવાની ધમકી આપી મુંબઈ છોડવા કહ્યું હતું એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રોડ્યુસર સચિન શિંદે પુણે નજીકના તેના ગામ દૌંડ નાસી ગયો પરંતુ તેના પરિવારના કહેવાથી મુંબઈ આવીને શનિવારે માલવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નેંધાવી હતી.
શિંદેની ફરિયાદ પર કેસ નોંધીને ચારે આરોપીઓની ધરપકડ કરી હોવાનું એસીપી દિલીપ યાદવે જણાવ્યું હતું.

mumbai mumbai news samiullah khan