રોકડેથી ખરીદી કર્યા બાદ વિશ્વાસ જીતી વધુ માલ સાથે રફુચક્કર થઈ ગયા હતા

24 December, 2012 05:55 AM IST  | 

રોકડેથી ખરીદી કર્યા બાદ વિશ્વાસ જીતી વધુ માલ સાથે રફુચક્કર થઈ ગયા હતા



સાગર રાજપૂત

નવી મુંબઈ, તા. ૨૪

નવી મુંબઈમાં આશરે ૨૦થી વધુ વેપારીઓ સાથે એક કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવતાં ચાર જણ વિરુદ્ધ એપીએમસી માર્કેટ પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધાયો છે. પહેલાં રોકડેથી માલ ખરીદીને વેપારીનો વિશ્વાસ જીતી લીધા બાદ વધુ માલ લઈને ચાર જણ રફુચક્કર થઈ ગયા હતા. તેમણે આપેલા ચેક બાઉન્સ થતાં વેપારીઓએ ઉદય ભાસ્કર, રાજ પુરોહિત, વિક્રમ સિંહ અને કિશન વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે તેમની દુકાનમાંથી ૪૦ લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે.

એપીએમસી માર્કેટ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘એપીએમસીમાં ધાન્ય માર્કેટની પાસે આ ચાર જણે સિનર્જી સપ્લાય નામની દુકાન ખોલી હતી અને શરૂમાં વેપારીઓ પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાની એક કે બે આઇટમો લઈને ચેકથી પેમેન્ટ કરતા હતા. તેઓ હોલસેલ ધંધો કરતા વેપારીઓને રેગ્યુલર ધોરણે ઑર્ડર આપતા હતા અને માલની સામે પેમેન્ટ પણ બરાબર કરતા હતા. શરૂમાં નાની આઇટમો મગાવીને તેમણે વેપારીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ છેલ્લા એક મહિનામાં એક લાખ રૂપિયાથી વધુના મોટા ઑર્ડર આપ્યા હતા અને એની સામે આપેલા ચેકમાં તેઓ વેપારીની દુકાનનું નામ ખોટું લખતા. બૅલેન્સના અભાવે અથવા સ્પેલિંગમાં મિસ્ટેકને કારણે આવો ચેક બાઉન્સ થાય એટલે વેપારી તેમનો સંપર્ક કરે ત્યારે તેઓ ફરી ચેક આપતા અને વધુ માલ મગાવી લેતા હતા. આ આરોપીઓએ આપેલા ચેક ફરી નાખવામાં આવ્યા ત્યારે બાઉન્સ થયા હતા, કારણ કે એમાં બૅલેન્સ નહોતું.’

આ ચાર જણે અત્યાર સુધીમાં ૬૫ લાખ રૂપિયાની ઘડિયાળો, ૨૨ લાખ રૂપિયાના મોબાઇલ હૅન્ડસેટ, ૨૦ લાખ રૂપિયાની સ્ટેશનરી, ૧૦ લાખ રૂપિયાનાં ડ્રાયફ્રૂટ્સ, ૭ લાખ રૂપિયાનાં ઇન્વર્ટર અને ૬ લાખ રૂપિયાનાં વૉટર પ્યુરિફાયરો મગાવ્યાં હતાં. આ માલ તેમણે ક્યાં રાખ્યો છે એની ફરિયાદકર્તા વેપારીઓને જાણ નથી.

એપીએમસી = ઍગ્રિંકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી