મીરા રોડમાં ઝવેરીને ત્યાં પડેલી ધાડમાં ૧ કરોડનો માલ ગયો

09 January, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડમાં ઝવેરીને ત્યાં પડેલી ધાડમાં ૧ કરોડનો માલ ગયો

મીરા રોડમાં શાંતિનગરના સેક્ટર-4માં આવેલા એસ. કુમાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સ શોરૂમમાં ગુરુવારે ગન પૉઇન્ટ પર લૂંટના મામલામાં એક કરોડ રૂપિયાની આસપાસના દાગીનાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ઘટનાસ્થળથી લઈને રેલવે-સ્ટેશન સુધીના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે લૂંટારાઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. લૂંટારા બાઇક મૂકીને પલાયન થઈ ગયા હતા, પરંતુ એ બાઇક ચોરીની હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ગુરુવારે ભરબપોરે મીરા રોડના શાંતિનગરના સેક્ટર-4ના ભરચક વિસ્તારમાં આવેલા એસ. કુમાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડ્સ શોરૂમમાં ચાર લૂંટારાઓ ગન સાથે ઘૂસ્યા હતા અને તેમણે શોરૂમના કર્મચારીઓના લમણે ગન મૂકીને ગોલ્ડ અને ડાયમન્ડના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ કેસની તપાસ કરી રહેલા નયાનગર પોલીસ-સ્ટેશનના ક્રાઇમ ઇન્સ્પેક્ટર નરહરિ સાળુંકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શોરૂમમાંથી એક કરોડ રૂપિયાની આસપાસના દાગીનાની લૂંટ થઈ હોવાનું શોરૂમના મૅનેજર અને સ્ટાફની પૂછપરછ તથા સ્ટૉક ચકાસ્યા બાદ જણાયું છે. આરોપીઓ માસ્ક પહેરીને આવ્યા બાદ અલગ-અલગ રીતે શોરૂમમાંથી બહાર નીકળ્યા હોવાનું સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે. બે લૂંટારા બાઇક પર પલાયન થયા બાદ બાકીના બે હાથમાં થેલો લઈને રેલવે-સ્ટેશન તરફ ભાગ્યા હતા. અમે ઘટનાસ્થળથી લઈને રેલવે-સ્ટેશન અને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને લૂંટારાઓનો પત્તો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news mira road Crime News mumbai crime news