ફોર્ટચા રાજાના દરબારમાં કામ કરી રહ્યા છે ૫૦ મુસ્લિમ કાર્યકરો

01 September, 2012 09:44 AM IST  | 

ફોર્ટચા રાજાના દરબારમાં કામ કરી રહ્યા છે ૫૦ મુસ્લિમ કાર્યકરો

 

 

(ચેતના યેરુણકર)

 

ર્ફોટ, તા. ૧

 

ગણેશ ચતુર્થીને હવે માત્ર ૧૮ દિવસ જ બાકી હોવાથી દરેક મંડળ બીજા બધા કરતાં પોતાનું મંડળ ભવ્ય દેખાય એની તૈયારીમાં વ્યસ્ત છે. સીએસટી પાસે આવેલા ર્ફોટ વિભાગ સાર્વજનિક ગણેશ મ્ાહોત્સવની શોભા વધારવા માટે છેલ્લા બે મહિનાથી ૫૦ જેટલા મુસ્લિમ કારીગરો બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. મંડળોના કામમાં ધર્મ કદી આડે નથી આવતો. ભલે તેઓ ઉત્સવમાં જોડાતા ન હોય, પરંતુ એની શોભામાં અભિવૃદ્ધિ કરવા આ મુસ્લિમ કારીગરો એડીચોટીનું જોર લગાવતા હોય છે. આનંદ સાવંત નામના આર્ટ-ડિરેક્ટરના માર્ગદર્શન હેઠળ તેઓ આ કાર્ય કરી રહ્યા છે. તેઓ આ મંડળ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી સંકળાયેલા છે. ભવ્ય સેટ બનાવવા પાછળ કુલ ૮૦ જેટલા કારીગરો કામે લાગેલા છે જેમાં ૫૦ કારીગરો મુસ્લિમ છે.

અહીં આ વખતે ૧૧ દિવસના ગણેશોત્સવ માટે રાજસ્થાનના લક્ષ્મી વિલાસ મહેલની પ્રતિકૃતિ બનાવવામાં આવશે. ૪૫ ફૂટ કરતાં વધુ ઊંચાઈનો પંડાલ બનાવવામાં આવશે, જેમાં ૪૦ ફૂટનું વિશાળ પ્રવેશદ્વાર હશે. મેદાનની ૧૬૦ ફૂટ જગ્યા આ મંડળને કારણે રોકાઈ ગઈ છે. શહેરનાં સૌથી મોટાં મંડળોમાંનું એક હોવાનો દાવો પણ તેઓ કરે છે. ૧૫ જુલાઈથી આ વિશાળ સેટ બનાવવાનું કામ શરૂ થયું હતું, જેનો ખર્ચ ૬૦ લાખ રૂપિયા થવાનો અંદાજ છે.

પંડાલમાં કામ કરતા એક મજૂર અબુ અહમદે કહ્યું હતું કે ‘ઘણા લાંબા સમયથી હું આ મંડળ સાથે જોડાયેલો છું. ૧૨ જેટલાં જ્યોતર્લિિંગ બનાવવાના કામમાં પણ મેં ભાગ લીધો હતો. અમારી સાથે અહીં કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં નથી આવતો. રમઝાન મહિનો પણ મંડળના સભ્યો સાથે આનંદથી પસાર થયો હતો. આ મંડળ સાથે અમારો નાતો જોડાઈ ગયાની લાગણી પણ અમને થઈ હતી. આવતા વર્ષે પણ અમે આ મંડળમાં કામ કરીશું.’

મંડળના પ્રમુખ રવીન્દ્ર સુર્વેએ કહ્યું હતું કે ‘લાંબા સમયથી અમારા મંડળ સાથે કેટલાક કારીગરો જોડાયેલા છે, પરંતુ આ વર્ષે અમને વધુ કારીગરોની જરૂર હતી એટલે અમે કેટલાક લોકોને કામ પર રાખ્યા હતા. સમગ્ર રમઝાન દરમ્યાન તેઓ અમારી સાથે રહીને કામ કરતા હતા એટલે તેમના માટે અમે સમગ્ર મહિના દરમ્યાન ઇફ્તારનું આયોજન કર્યું હતું જેથી તેઓ મંડળમાં જ તેમનો ઉપવાસ છોડી શકે.’

સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ