આર્મીના એક સમયના જવાનો હવેથી રેલવેની કૅન્ટીનમાં ડિશવૉશર

08 October, 2011 04:59 PM IST  | 

આર્મીના એક સમયના જવાનો હવેથી રેલવેની કૅન્ટીનમાં ડિશવૉશર

 

 

- શશાંક રાવ



મુંબઈ, તા. ૮

 

સીએસટી સ્ટેશન પર કામ કરતા આ કર્મચારીઓએ નક્સલવાદને નજીકથી જોયો છે, સાથી જવાનોના ઘા રુઝાવ્યા છે અને અનેક શસ્ત્રોના સમારકામ પણ કરેલાં છે


સામાન્ય ભારતીય નાગરિકને કદાચ આ વાતનો આંચકો લાગે છે, પણ આ જવાનોને આ કામ કરવાનો કોઈ અફસોસ નથી અને તેઓ પોતાના કામથી ખુશ છે. મહત્વની વાત તો છે કે આ નોકરી માટે તેમની પસંદગી અલગ-અલગ મેડિકલ ટેસ્ટ અને ભૂતકાળમાં તેમણે કરેલા કામની વિગતો આપ્યા પછી કરવામાં આવી છે.

રેલવેની કૅન્ટીનમાં કામ કરતા એક્સ-આર્મીમેનમાંથી એક છે બાવન વર્ષના ધર્મા કદમ. છેલ્લાં પચીસ વર્ષથી આર્મીમાં કામ કરતા ધર્મા હાલમાં કૅન્ટીનમાં કામ કરી રહ્યા છે. ધર્મા જ્યારે આસામમાં પોસ્ટિંગ પર હતા ત્યારે નક્સલવાદીઓના આતંકથી પરેશાન વિસ્તારમાં ઇન્ફન્ટ્રીને નર્દિેશન આપવાનું કામ કરતા હતા. તેમણે જુલાઈ મહિનાથી કૅન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના-એક્સ જવાનોએ ક્લાસ-૪ કૅટેગરીમાં કામ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં કામ કરવા બદલ મહિને સરેરાશ બાર હજાર રૂપિયા જેટલો પગાર મળે છે. આવી જ રીતે આર્મીમાં યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે દાખલ થયેલા બદલાપુરના રહેવાસી ૪૯ વર્ષના મધુકર મહાડિક અત્યારે કૅન્ટીનમાં પૅસેન્જરોને ભોજન પીરસવાનું કામ કરે છે. મધુકર મહાડિક આર્મીમાં મેડિકલ વિભાગમાં ડૉક્ટરને અસિસ્ટ કરવાનું કામ કરતા હતા.

કૅન્ટીનમાં કામ કરતા અન્ય એક્સ-આર્મીમૅન છે રમેશ શિંદે. રમેશ શિંદે આર્મીના એન્જિનિયરિંગ વિભાગમાં મેકૅનિક તરીકે કામ કરતા હતા. તેમના વિભાગમાં આર્મીનાં શસ્ત્રો અને સાધનોનું સમારકામ થતું હતું. તેમણે લગભગ ચોવીસ વર્ષ સુધી આર્મીમાં કામ કર્યું હતું અને હવે તેઓ કૅન્ટીનમાં ભોજન બનાવે છે. આ જ કૅન્ટીનમાં ભોજન અને પાણી પીરસતા રમેશ ખરાતે જૂન મહિનાથી કૅન્ટીનમાં કામ કરવાનું શરૂ કર્યું છે. વિઠ્ઠલવાડીમાં રહેતા રમેશ ખરાતે પોતાના પહેલાંના કામ અને અત્યારના કામ વિશે વાત કરતા કહ્યું હતું કે ‘હું આર્મીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને હું મોટા ભાગે જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. મારું કામ મોટા ભાગે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ના વિસ્તારમાં જ હતું. જોકે હું મારા કૅન્ટીનના કામથી પણ ખુશ છું. અહીં દિવસમાં અનેક લોકો આવે છે. આખરે અમે પબ્લિક સેક્ટરમાં કામ કરીએ છીએ અને અહીં જૉબ સિક્યૉરિટી છે.’

આ મુદ્દે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના ચીફ પીઆરઓ વી. માલેગાંવકરે જણાવ્યું હતું કે આ બધા એક્સ-સર્વિસમેન રેલવેના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.