દીકરીનાં લગ્ન કરવા ૮૬૦ ઝાડ કાપનાર પિતાને ડબલ વૃક્ષો રોપવાની સજા

04 June, 2019 11:20 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

દીકરીનાં લગ્ન કરવા ૮૬૦ ઝાડ કાપનાર પિતાને ડબલ વૃક્ષો રોપવાની સજા

બદલાપુરામાં આદિવાસી વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાની દીકરીનાં લગ્ન કરવા ઘર પાસે ઊગેલાં ૮૬૦ ઝાડ કાપી નાખ્યાં હતાં. લગ્ન કરવા માટે જગ્યા અને પૈસા ન હોવાથી પિતાએ ઝાડ કાપી નાખ્યાં હતાં. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘટના બાદ વિસ્તારમાં પંચનામું દાખલ કયુંર્ અને કાર્યવાહી કરી હતી. ઘટના બાદ વન વિભાગે આરોપી દશરથ કુર્હાડે અને તેના પરિવારને જેટલાં ઝાડ કાપ્યાં એનાથી બમણાં ઝાડ આગામી ચાર મહિનામાં વાવવાની સજા ફટકારી છે. જોકે કુર્હાડે પરિવાર અત્યંત ગરીબ હોવાથી નવા રોપા વાવવા વિવિધ એનજીઓને તેમની મદદ કરવા અપીલ કરવામાં આવી રહી છે.

બદલાપુરમાં આવેલા મહાસા રોડ પર આ ઘટના બની હતી. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી લીધા વિના જમીન પરનાં ૮૬૦ ઝાડ કાપી નાખવામાં આવ્યાં હતાં. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર જિતેન્દ્ર રામગાઓકરે જણાવ્યું હતું કે ‘જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ ત્યારે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પણ દશરથ કુર્હાડેએ મોટા ભાગનાં ઝાડ કાપી નાખ્યાં હતાં. મહારાષ્ટ્ર ફેલિંગ ઑફ ટ્રીઝ ઍક્ટ અંતર્ગત કુર્હાડે વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કુર્હાડે પરિવારમાં એક પછી એક બે લગ્ન લેવાવાનાં હતાં જેની માટે પૈસા ભેગા કરવા તેઓએ ઝાડ કાપી નાખ્યાં હતાં.

ગામના એક રહીશ પ્રકાશ જગદળેએ જણાવ્યું હતું કે ‘લાકડાં વેચવા માટે અમુક લોકો ઝાડ કાપી નાખે છે, પણ વન વિભાગ દ્વારા તેમની પર આજ સુધી ક્યારેય કોઈ પગલાં લેવાયાં નથી. આવી પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવા માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં કોઈ દિવસ પૅટ્રોલિંગ કરવામાં આવતું નથી. આ જમીન હવે કોઈ બંજર જગ્યા જેવી લાગી રહી છે.’

આ પણ વાંચોઃ મુંબઈને ગામડામાંથી મહાનગર બનાવવા તેજુકાયા પરિવારનું અભૂતપૂર્વ યોગદાન

આરોપી દશરથ કુર્હાડેના ભાઈ હરચંદે કહ્યું હતું કે ‘૪૦ વર્ષ બાદ અમારા ઘરે લગ્નપ્રસંગ આવ્યો છે. અમને જે પણ કાંઈ સજા આપવામાં આવશે એ મંજૂર છે, પણ સજાના રૂપે અમે પૈસા ચૂકવી શકતા નથી. ઝાડ કાપવા પહેલાં અમને ખબર નહોતી કે આ કામ ગુનાપાત્ર છે.

mumbai news mumbai