જગતમાં સૌપ્રથમ વાર થશે, ૧ દિવસમાં જ ૯૦,૦૦૦ સામાયિક

06 July, 2020 08:41 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

જગતમાં સૌપ્રથમ વાર થશે, ૧ દિવસમાં જ ૯૦,૦૦૦ સામાયિક

પોસ્ટર

જૈનોના ચાર મુખ્ય ફિરકા પૈકી શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં સૌથી વધુ સંયમ પર્યાય ધરાવનારા આચાર્ય ભગવાન શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ૯૦મા દીક્ષાદિવસ નિમિત્તે ગુરુપ્રેમ મિશને શનિવાર, ૧૧ જુલાઈના દિવસે ૯૦,૦૦૦ સામાયિકોનું મહા આયોજન કર્યું છે. વિશ્વ સ્તરે એક જ દિવસે આટલી મોટી સંખ્યામાં પ્રથમ વખત સામાયિકો થશે. જૈન શાસનની એકતા અને ઉન્નતિ તેમ જ ચારિત્ર પદની આરાધના અન્વયે ગુરુપ્રેમના શિષ્ય આચાર્યશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી કે.સી. મહારાજસાહેબની પ્રેરણાથી આ અનુષ્ઠાન યોજાયું છે.
ચાતુર્માસ અર્થે જયપુરમાં બિરાજમાન પંન્યાસ કુલદર્શનવિજય મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘સામાયિકની સાધના એટલે સાધુપદની આરાધના. સામાયિકની ૪૮ મિનિટ દરમિયાન  સાધકે સાધુની આચારમર્યાદા પાળવાની રહે છે. આ સમયમાં વ્યક્તિ છ પ્રકારના જીવની હિંસાથી બચીને રહે છે. આથી જૈન ધર્મમાં આ નિર્દોષ વ્રત બહુ મહત્ત્વનું છે. સાથે જ જૈન ધર્મમાં સાધુઓનું સ્થાન પણ અદકેરું છે. પૂજ્ય ગુરુદેવના દીક્ષાદિવસે સામાયિક દ્વારા ચારિત્ર પદની આરાધના થાય એથી રૂડું શું? વળી જૈન ધર્મના દરેક ફિરકામાં નવકાર અને સામાયિકની મહત્તા સમાન છે. હા, વિધિમાં થોડો ફેરફાર હોઈ શકે, પરંતુ મૂળભૂત નિયમો એકસરખા છે.  આથી દરેક ફિરકાના જૈનો જોડાઈ શકે એ માટે અમે મહા સામાયિક અનુષ્ઠાનનું આયોજન કર્યું છે.’
કોરોના મહામારીના આ કાળમાં કોઈ પણ સમૂહ કાર્યક્રમો યોજવા શક્ય નથી. આથી દરેક વ્યક્તિએ પોતપોતાના સ્થાનેથી પોતાની અનુકૂળતાએ ૧૧ જુલાઈએ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન સામાયિક કરવાનું રહેશે.
કુલદર્શનવિજય મહારાજ કહે છે, ‘સામાયિક કરનારે વૉટ્સઍપ લિન્ક દ્વારા આ અભિયાનમાં જોડાવા રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પોતાનું નામ, ગામ, કેટલાં સામાયિક કરશે એ વિગતો ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરવા  પાછળનો હેતુ એ છે કે કુલ કેટલાં સામાયિક થયાં એની ગણતરી-પ્રક્રિયા પારદર્શક રહે.  સામાયિક કરનારે સામાયિક દરમિયાન શું કરવાનું છે એની માહિતી અમે કાર્યક્રમના આગલા દિવસે આપીશું. એમાં નવકારવાળી અને ચારિત્ર પદનો જાપ, વાંચન આદિ કરવાનાં રહેશે.  જોકે સામાયિકમાં કોઈએ મોબાઇલ કે અન્ય ઇલેક્ટ્રૉનિક ઉપકરણો‍ વાપરવાનાં નથી. આથી પહેલાંથી જ વાંચન વગેરેની સામગ્રી  તૈયાર કરી લેવી.’
ત્રણ વર્ષ પહેલાં કાળધર્મ પામનાર પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ દરેક સંપ્રદાયને એકસૂત્રે બાંધી રાખવા આજીવન કાર્યરત રહ્યા હતા. ઈ. સ. ૧૯૩૦માં ૧૧ વર્ષની ઉંમરે તેમણે ચારિત્રગ્રહણ કર્યું હતું. કુલચંદ્રસુરી કે.સી. મહારાજસાહેબ કહે છે, ‘એ સમયે બે અષાઢ મહિના હતા. ગુરુદેવની દીક્ષા પહેલા અષાઢમાં થઈ હતી. છેલ્લાં ઘણાં વર્ષથી અમે તેમના સંયમોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. આ પહેલાં ૮૫‍મા સંયમ દિવસે અમે ૮૫,૦૦૦સામાયિકનું આયોજન કર્યું હતું, જે‍ રેકૉર્ડ‍રૂપ હતું. અત્યારે પણ આ સમૂહ સામાયિક અભિયાનમાં ૪૨,૦૦૦ જેટલાં રજિસ્ટ્રેશન થઈ ગયાં છે.’

alpa nirmal mumbai mumbai news