મુંબઈમાં પહેલી વાર એક જ સ્થળે 1600 જિન પ્રતિમાઓ

29 November, 2020 07:15 AM IST  |  Mumbai | Alpa Nirmal

મુંબઈમાં પહેલી વાર એક જ સ્થળે 1600 જિન પ્રતિમાઓ

જિન પ્રતિમાઓ

કોરોનાકાળમાં મુંબઈના જૈનોનાં પ્રભુપુજા-દર્શનના નિત્ય નિયમો ટકી રહે એ માટે ગુજરાત-મહારાષ્ટ્રનાં વિવિધ જૈન દેરાસરોમાંથી લવાયેલા ૧૮૦૦ ભગવાનને ૬ ડિસેમ્બરે બોરીવલીથી વિદાય અપાશે.

લૉકડાઉન દરમ્યાન જ્યારે મુંબઈમાં સર્વે ધાર્મિક સ્થાનોએ ભક્તોને નો-એન્ટ્રી હતી ત્યારે જૈનોનો ધાર્મિક ભાવ, ગળથૂથીના સંસ્કાર અને પૂજા-દર્શનનો નિયમ ટકી રહે એ માટે મહારાષ્ટ્રનાં ૧૧ અલગ-અલગ શહેરથી, ગુજરાતનાં ૧૬ શહેરોના કુલ ૭૯ સંઘમાંથી ૧૮૦૦ જેટલી ધાતુની પ્રતિમાજીઓ મુંબઈ લવાઈ હતી અને ૨૦૦૦ જૈનોના ઘરે હંગામી ધોરણે પધરાવાઈ હતી. આમાંથી ૧૬૦૦ પ્રતિમાજીઓ બોરીવલી-વેસ્ટના ચંદાવરકર લેનના જૈન દેરાસરમાં એકત્ર કરવામાં આવશે.પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરે તેમનું ૧૮ અભિષેક વિધાન કરાશે, ત્યાર બાદ લગભગ ૧૬૦૦ જેટલી જૈન પ્રતિમાને અહીંથી વિદાય અપાશે. મુંબઈમાં આવું પહેલાં ક્યારેય નથી બન્યું કે બહારગામની પ્રતિમાજીઓ આટલી મોટી સંખ્યામાં શહેરમાં પધારી હોય અને એક જ જગ્યાએ એકત્રિત થઈ હોય.

માર્ચમાં જ્યારે પહેલું લૉકડાઉન જાહેર કરાયું ત્યારે સી. પી. ટૅન્કના મોતીશા લાલબાગ જૈન સંઘે તેમના જિનાલયમાં રહેલી ધાતુની પ્રતિમાજીઓ ભક્તોને ઘરે લઈ જવાનું આહ્‍વાન કર્યું. આજુબાજુના વિસ્તારોના ભાવિકોએ ખૂબ ઉમળકાથી એ આહ્‍વાનને વધાવી લીધું અને લગભગ ૭૦ જેટલી પ્રતિમાજીઓ શ્રાવકોના ઘરે અપાઈ. આ જાણી બોરીવલીના કેટલાક જૈન મિત્રોને થયું કે મુંબઈમાં લાખો ભાવિકો દૈનિક પૂજા કરે છે એ લોકોનો આ રોજિંદો નિયમ ટકી રહે એ માટે આપણે તેમને ભગવાન મળે એવી કોઈ વ્યવસ્થા કરીએ અને શરૂ થયું ‘પ્રભુ પધાર્યા મારે ઘેર ગ્રુપ.’

આ ગ્રુપમાં મુખ્ય ભૂમિકા ભજવનારા પારસભાઈ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘પહેલાં મુંબઈનાં અમુક દેરાસરોમાંથી અને ત્યાર બાદ વિરાર, મહાવીરધરમ, શહાપુર એમ આજુબાજુમાંથી અમે ભગવાન લઈ આવ્યા, પણ ભાવિકોની સંખ્યા વધતી જતી હતી; ૧૦૦, ૨૦૦, ૩૦૦ અને પર્યુષણ સુધી ૧૭૦૦ જેટલી ઍપ્લિકેશન અમારી પાસે આવી એટલે અમે વિચાર્યું કે હવે ગુજરાત-મહારાષ્ટ્રનાં અન્ય શહેરો, ગામડાંઓમાંથી ભગવાન લઈ આવીએ જ્યાં પ્રતિમાજીઓ બહુ છે. સામે પૂજા કરનારાઓની સંખ્યા જૂજ છે એટલે અમે ત્યાંના સંઘના ટ્રસ્ટીઓનો કૉન્ટૅક્ટ કર્યો અને દરેક ટ્રસ્ટીઓએ ખૂબ ઉદારતા બતાવી અને કોઈ પૂર્વશરત કે માગણી વિના પ્રતિમાજીઓ લઈ જવાની છૂટ આપી.’

ખરેખર, આ સંઘના ટ્રસ્ટીઓનો તો ખૂબ મોટો ઉપકાર કહેવાય, કારણ કે બહારગામથી આવેલી મોટા ભાગની પ્રતિમાઓ ૩૦૦, ૫૦૦ વર્ષ પ્રાચીન છે, કોઈ-કોઈ તો ૧૧મી કે ૧૩મી સદીમાં બનેલી છે. તો કોઈ-કોઈ સંઘે પોતાની ચાંદીની પ્રતિમાજીઓ પણ ઉદાર ભાવે આપી.’

ગ્રુપના અભયભાઈ ચોકસી કહે છે કે ‘મુંબઈ દરેક પ્રકારની આપદા, કુદરતી હોય કે અન્ય, હંમેશાં ગુજરાત મહારાષ્ટ્રના પડખે તન, મન, ધનથી ઊભું રહે છે. કોઈ જિનાલયના જીર્ણોદ્ધારની વાત હોય કે સાધારણ ખાતાની તોટ હોય, મુંબઈના દિલાવર શ્રાવકો હંમેશાં અગ્રેસર રહ્યા છે. આ વખતે મુંબઈ પર ધાર્મિક સંકટ હતું એથી એકેય ટ્રસ્ટી કે સંઘે કોઈ લેખિત બાંયધરી કે સહીસિક્કા વગર બિનશરતી ભગવાન મુંબઈના જિનભક્તો માટે આપ્યા, જેથી લૉકડાઉનના પૂરેપૂરા પ્રોટોકૉલ સાથે હજારો જૈનો દરરોજ પરમાત્માની સેવા-પૂજા કરી શક્યા.’

બહારગામના સંઘે કોઈ કગળ-પત્ર ભલે નથી કર્યાં, પરંતુ આ ગ્રુપના કાર્યકરોએ ભગવાનની આવશ્યક દૈનિક પૂજા વગેરેના નિયમો સાથે તેઓ ક્યાંથી આવ્યા? કયા ભગવાન છે? એની વિશેષતા, સાઇઝ તેમ જ કોણ લઈ જાય છે તેનું નામ-નંબર અને દરેકની પાકી નોંધ રાખી છે.

શ્રેયાંસ દોશી કહે છે કે ‘આવ્યા ત્યારે મુંબઈમાં ત્રણ જગ્યાએ ભગવાનને રખાયા હતા અને ત્યાંથી શ્રાવકોમાં વહેંચાયા; જેમાં બોરીવલીમાં ૫૦થી ૭૦, ભાઈંદરમાં ૩૫થી ૪૦ તેમ જ લાગબાગમાં એટલા જ જૈન યુવાનો આ કાર્યમાં લાગી ગયા હતા. સી. પી. ટૅન્કના લાલબાગમાં કૌશલ શાહે તો આઠેઆઠ મહિના એકલા હાથે ભગવાનની બધી જ જવાબદારી સંભાળી. તો કેટલાય નામી-અનામી ભાવિકોએ ભગવાન લઈ જવા, પાછા કરવા તેમ જ અમુક-અમુક કિસ્સામાં શ્રાવકોને પહોંચાડવાનું બીડું પણ ઝડપી લીધું હતું.’

૩૧ માર્ચથી ૧૫ ઑગસ્ટ સુધી પ્રભુજીને લાવવાનું કામ થયું, જેમાં ગુજરાતથી ૧૪૨૧, મહારાષ્ટ્રથી ૧૨૫, મુંબઈથી ૧૯૨ પ્રભુજી લવાયા.
લૉકડાઉન જેમ-જેમ લંબાતું ગયું એમ લોકોની માગણી વધતી ગઈ એમ કહેતાં તુષારભાઈ ઉમેરે છે કે ‘ત્યાર બાદ ચાતુર્માસ અને પછી પર્યુષણ હતાં. સંઘનાં દેરાસરો ખૂલ્યાં નહોતાં એથી શ્રાવકોની ભક્તિ માટે પ્રભુપ્રતિમાની જરૂરિયાત વધતી જ જતી હતી અને અમે ૯૯ ટકાએ માગણીને પૂર્ણ કરવાની કોશિશ કરી છે. હવે, આજે જ્યારે ૧૫-૨૦ દિવસથી અમે ભગવાન પાછા મગાવવાની પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે અમને ખ્યાલ આવે છે કે આ નાનકડા કાર્યની, મહેનતની કેટલી સુંદર અને અદ્ભુત અસર થઈ છે. અમારા હસ્તક જેમના ઘરે ભગવાન અપાયા છે એવા ૧૭૪૫ મેમ્બરોનું અમે ‘પ્રભુ પધાર્યા મારે ઘેર’ નામનું વૉટ્સઍપ-ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં શ્રાવકોએ તેમના ઘરે બનેલા હંગામી ઘરમંદિરમાં ભગવાનની શું ભક્તિ આરાધના કરે છે એના ફોટો-વિડિયો, પત્રો શૅર કરે છે એ જોઈ-જાણી અવર્ણનીય આંનદ થાય છે.’

પારસભાઈ ઉમેરે છે કે ‘અનેક પરિવારની ભગવાન સાથે પ્રીતિ બંધાઈ ગઈ છે. ભગવાન ઉપરાંત તેઓને ૭૯ પ્રભુપ્રતિમાના દાતા સંઘ પ્રત્યે પણ એટલો અહોભાવ જાગ્યો છે કે એ શ્રાવકોએ સાધારણ ખાતા માટે પૈસા મોકલ્યા છે. અમે નથી ટિપ કરી, નથી કોઈ ફાળો ઉઘરાવ્યો કે નથી કોઈ પ્રેરણા કરી. બસ, ભાવિકોએ અંતઃકરણના ભાવરૂપે ૧૫ લાખ જેટલા રૂપિયા સાધારણ ખાતા માટે ભેગા કર્યા છે, જે અમે ૭૯ જિનાલયો વચ્ચે વહેંચી દઈશું.’

પરોણા જિન પ્રતિમાઓનો સમૂહ અભિષેક

પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બરે બોરીવલીની ચંદાવરકર લેનમાં ૧૧૦૦ પ્રતિમાજીઓનો, ૬ ડિસેમ્બરે સી. પી. ટૅન્કના માધવાબાગ દેરાસરમાં ૫૦૦ પ્રતિમાજીઓનો અને ૬ ડિસેમ્બરે ભાઈંદર-વેસ્ટના ત્રિભુવન તારક સંઘમાં ૨૨૫ પ્રતિમાજીઓનો ૧૮ અભિષેક વિધાન થશે. પ્રભુજીને લઈ આવતાં, પહોંચાડતાં, કોઈ આશાતના, અશુદ્ધિ થઈ હોય, બહુમાન ન સચવાયું હોય કે શ્રાવકોના ઘરમાં કોઈ અવિધિ થઈ હોય એના પ્રશ્ચાત્તાપરૂપે ૧૮ પવિત્ર ઔષધિઓ અને સામગ્રીથી મંત્રોચ્ચારપૂર્વક દરેક ભગવાનના ૧૮ અભિષેક થશે. ત્યાર બાદ સી. પી. ટૅન્કથી ૫૦૦ પ્રભુજી બોરીવલી સંઘમાં લાવવામાં આવશે અને ખંતીલા કાર્યકરો પ્રભુજીને પાછા પોતાના સ્થાને પહોંચાડવાનું કાર્ય શરૂ કરશે.

૪૦૦ જેટલી પ્રતિમાઓ હજી અહીં જ રહેશે

સરકારી નિયમો મુજબ હજી સિનિયર સિટિઝનોને ધાર્મિક સ્થાનોમાં જવાની છૂટ નથી એથી ૪૦૦ જેટલા જૈન ભાવકોએ પ્રતિમાજીને પોતાના ઘરે રાખવાની છૂટ માગી છે. કાર્યકરોએ એ માગણી પૂર્ણ કરી છે અને ૧૮ અભિષેક બાદ તેઓને પ્રભુજી પાછા અપાશે. અભયભાઈ કહે છે, ‘અમે એ બધી વ્યવસ્થા કરી રહ્યા છીએ. કદાચ ૮ મહિના જે ભગવાન તેઓ પાસે હતા એ તેમને ન મળે તો બીજા પ્રભુજી મોકલીશું, પણ આપીશું ખરા. આ કોરોનાને કારણે મોટો લાભ એ થયો છે કે ૫૭ ભાવિકોએ પોતાના ઘરે કાયમી ભગવાન પધરાવ્યા છે અને હજી મોટી સંખ્યામાં ઘરદેરાસરનાં મુહૂર્તો લેવાઈ રહ્યાં છે.’

alpa nirmal mumbai mumbai news coronavirus covid19