ફૉર અ ચેન્જ, પોલીસ સમયસર પહોંચી જતાં કાંદિવલીનો જ્વેલર લૂંટાતો બચી ગયો

20 October, 2021 08:39 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આરોપીઓ ગૅસકટરથી દુકાનનું છાપરું કાપતા હોવાથી એની વાસથી આસપાસના લોકો જાગી ગયા અને પોલીસને બોલાવી લીધી. એક આરોપી પકડાયો, જ્યારે તેનો સાથી ફરાર છે

કાંદિવલી પોલીસની ટીમે પકડી પાડેલો એક ચોર.

પ્રીતિ ખુમાણ ઠાકુર
priti.khuman@mid-day.com
મુંબઈ : સોમવારે મધરાત બાદ ૨.૨૦ વાગ્યે કાંદિવલી પોલીસને જાણકારી મળી હતી કે કાંદિવલી-વેસ્ટમાં ફાટક રોડ પર આવેલી મોનિકા જ્વેલર્સ નામની શૉપના છાપરાને તોડીને અમુક લોકો ચોરી કરવા ઘૂસ્યા હતા, પરંતુ ગૅસકટરનો ઉપયોગ કરાતો હોવાથી ગૅસની સ્મૅલ આવતાં આસપાસના લોકોએ પોલીસને તાત્કાલિક એ વિશે જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાં કાંદિવલી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે તરત જ પહોંચી હતી. સમય પર પોલીસ પહોંચી જતાં છાપરું તોડીને દુકાનને લૂંટી રહેલા ચોરોને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે ખૂબ ચતુરાઈથી ચોરોનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને પકડી પાડ્યા હતા. 
દુકાનમાં ચોરી કરવા છાપરાથી અંદર ઘૂસેલા ચોરોને બહારથી પોલીસે ઘેરી લીધા હતા. પોલીસ ચોરોને વારંવાર સરેન્ડર કરવાનું કહી રહી હતી, પરંતુ ચોરો ખૂબ ડરી ગયા હોવાથી છુપાઈને બેસી ગયા અને પોલીસની સામે આવવા તૈયાર નહોતા. લાંબા સમય સુધી પોલીસ અને ચોર વચ્ચે વાતચીત થઈ રહી હતી. છતાં ચોર કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. દરમિયાન એક ચોર અચાનક દુકાનના છાપરા પરથી કૂદકો મારીને રસ્તાની બાજુએ ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને ઊભા રહેવા કહ્યું, પરંતુ તે સાંભળવા તૈયાર નહોતો. એથી પોલીસની ટીમ ફિલ્મી અંદાજમાં તેને રસ્તા પર દોડીને પકડી પાડવામાં સફળ રહી હતી. જોકે એ દરમિયાન તેનો એક સાથીદાર ફરાર થઈ ગયો હતો. પોલીસે ફિલ્મી-સ્ટાઇલમાં કરેલો પીછો રસ્તા પરના એક સીસીટીવી કૅમેરામાં કેદ થયો છે. 
પોલીસે ૨૪ વર્ષના આરોપી સોનુ જયસ્વાલને પકડી પાડ્યો છે. તેની તપાસ કરતાં આ આરોપી પર મુંબઈનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ દાખલ હોવાનું જણાયું હતું. રવિ યાદવ નામનો સાથીદાર આરોપી ફરાર થઈ ગયો હોવાથી કાંદિવલી પોલીસની ટીમ તેને શોધી રહી છે.
કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બાબાસાહેબ સાળુંખેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચોરો દુકાનમાં ચોરી કરવા ગૅસકટર, સ્ક્રૂ-ડ્રાઇવર, હથોડો જેવો સામાન સાથે લઈને આવ્યા હતા. ગૅસની સ્મૅલ આવતાં લોકોએ અમને જાણ કરી હતી. બન્ને આરોપીઓ કાંદિવલી-ઈસ્ટની દામોદર વાડીના રહેવાસી છે. એક ચોર ૧૦૦થી ૧૫૦ મીટરની દૂરી સુધી ભાગ્યો હશે ત્યારે તેને પકડી લેવામાં આવ્યો હતો. ભાગી રહેલા એક આરોપીને ભાગતી વખતે પડી જતાં પગમાં માર લાગ્યો હોવાથી તેને પ્લાસ્ટર આવ્યું છે. ચોરી નિષ્ફળ રહી હોવાથી આરોપીને જેલકસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે ફરાર થયેલાની શોધ ચાલી રહી છે.’

Mumbai mumbai news preeti khuman-thakur