વચ્ચે-વચ્ચે વરસાદે વિરામ લીધો એટલે પાણી ન ભરાયાં

02 July, 2022 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

...નહીં તો મુંબઈ જળબંબાકાર થઈ ગયું હોત : ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડ્યો : ભારે વરસાદને પગલે મુંબઈમાં ચાર કાચાં ઘર અને ૨૩ વૃક્ષ પડ્યાં

ગુરુવારે રાતે પેડર રોડ નજીક એક નિર્માણાધીન ઇમારત પાસે ભૂસ્ખલન થયું હતું (તસવીર : પી.ટી.આઇ.)

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્થિતિ જાણવા ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજીને સાબદા રહેવાની સૂચના આપી : આગામી ચાર દિવસ પણ ભારે વરસાદની શક્યતાથી ઑરેન્જ અલર્ટ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગઈ કાલે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આ ચોમાસામાં પહેલી વખત કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લીધે ચાર કાચાં ઘર તૂટી પડવાની સાથે ૨૩ વૃક્ષ ધરાશાયી થયાં હોવાનું જાણવા મળ્યું હતું. નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે વચ્ચે અમુક સમય વરસાદે વિરામ લીધો હતો એટલે પાણી ભરાવાની કોઈ મોટી મુશ્કેલી નહોતી સર્જાઈ અને વાહન તેમ જ ટ્રેનવ્યવહારને અસર નહોતી પહોંચી. આગામી ચાર દિવસ પણ આવી જ રીતે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરીને ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી વરસાદની સ્થિતિમાં પહોંચી વળવા માટે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તમામ એજન્સીને ફીલ્ડમાં જવાની સૂચના આપી હતી.

વેધશાળાની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ અમુક સમય ભારેથી અતિ ભારે તો વચ્ચે હળવો વરસાદ શરૂ થયો હતો, જે સાંજે પણ કાયમ રહ્યો હતો. આને પગલે શહેર, પૂર્વનાં પરાં અને પશ્ચિમનાં પરાંઓમાં કાચાં ઘર તૂટી પડવાની ચાર ઘટના બની હતી. જોકે એમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. આવી જ રીતે આ ત્રણેય સ્થળે ૨૩ વૃક્ષ તૂટી પડ્યાં હતાં. લોકોએ ફરિયાદ કરતાં બીએમસીની ટીમે આવીને તૂટી પડેલાં વૃક્ષોને દૂર કર્યાં હતાં.

મુંબઈમાં ગઈ કાલે રાત્રે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન કોલાબામાં ૨૨૭.૮ એમએમ એટલે કે ૯ ઇંચ જેટલો અને સાંતાક્રુઝમાં ૧૭૫.૫ એમએમ એટલે કે ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ૨૪ અને ૪૮ કલાકમાં શહેર અને પરાવિસ્તારમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. સારા વરસાદને પગલે શહેરના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગઈ કાલે કોલાબામાં સામાન્ય કરતા માઇનસ ૩.૩ એટલે ૨૭ ડિગ્રી અને સાંતાક્રુઝમાં માઇનસ ૩.૧ એટલે કે ૨૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

mumbai mumbai news mumbai rains mumbai monsoon Weather Update peddar road