હવે ચૂંટણીને કારણે પાછું ઠેલાયું પોઇસર ફૂટઓવર બ્રિજનું કામ

30 December, 2011 08:44 AM IST  | 

હવે ચૂંટણીને કારણે પાછું ઠેલાયું પોઇસર ફૂટઓવર બ્રિજનું કામ



પોઇસર વિસ્તારમાં કાંદિવલી ઈસ્ટ-વેસ્ટને જોડતા ફૂટઓવર બ્રિજના બાંધકામ માટે હજી ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. ટેન્ડર પ્રક્રિયા અનેક તબક્કાની હોય છે. પ્રક્રિયા જલદી પૂરી થાય એવા કોઈ સંકેત મળતા નથી. આમ ટેન્ડર પ્રક્રિયા અને ૨૦૧૨ના પ્રારંભથી મુંબઈ સુધરાઈની ચૂંટણીની આચારસંહિતાને જોતાં ભૂમિપૂજન માટેનું મુરત ક્યારે નીકળશે એ સામે પ્રશ્ન છે.

પોઇસર વિસ્તારમાં કાંદિવલી ઈસ્ટ-વેસ્ટને જોડતા ફૂટઓવર બ્રિજના બાંધકામ માટેનું ભૂમિપૂજન લંબાઈ ગયું છે. વેસ્ટર્ન રેલવેના પરેલસ્થિત એન્જિનિયરિંગ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘બ્રિજના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જોકે ટેન્ડર ફાઇનલ થતાં હજી સમય લાગશે.’

આ હકીકતને જોતાં બ્રિજનું ભૂમિપૂજન નજીકના ભવિષ્યમાં થાય એવું લાગતું નથી. બ્રિજના બાંધકામ માટેનાં આવશ્યક નાણાં મુંબઈ સુધરાઈએ રેલવેને સુપરત કરી દીધાં છે. રેલવેની જમીન આવતી હોવાથી બ્રિજ બાંધવાની કામગીરી રેલવેને સોંપવામાં આવી છે. મુંબઈ સુધરાઈના આર-સાઉથ વૉર્ડની પ્રભાગ સમિતિના અધ્યક્ષ શિવકુમાર ઝાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પોઇસર-ઈસ્ટ બાજુએથી વેસ્ટમાં આવવા માટે હાલમાં કોઈ જ માર્ગ નથી. વેસ્ટમાં આવવા માટે બોરીવલી અથવા કાંદિવલી તરફ જવું પડે છે. બ્રિજ બંધાઈ જશે તો હાઇવે પરના અનેક રહેવાસીઓ, ખાસ કરીને ઠાકુર કૉમ્પ્લેક્સના રહેવાસીઓને અવરજવર માટે સારું પડશે.’

બ્રિજ રેલવે પરથી પસાર થતો હોવાથી એ બાંધવાની જવાબદારી રેલવેને સોંપવામાં આવી છે. મુંબઈ સુધરાઈએ રેલવેને રૂપિયા ૨.૮૫ કરોડની ચુકવણી ક્યારની કરી દીધી છે. ઝાએ વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈ સુધરાઈની ચૂંટણી નજીક આવી રહી છે. એક વખત આચારસંહિતા લાગી જશે તો બ્રિજનું ભૂમિપૂજન નહીં થઈ શકે. આ માટે રેલવેને ઉતાવળ કરવા વિનંતી કરવામાં આવી હતી. જોકે હાલમાં વાત ટેન્ડર પ્રક્રિયા પર અટકી છે.’

મળતી માહિતી પ્રમાણે ચૂંટણીની આચારસંહિતા પાંચમી જાન્યુઆરીથી લાગી જવાની શક્યતા છે. રેલવે દ્વારા બાંધવામાં આવતા ફૂટઓવર બ્રિજની ડિઝાઇન તમામ સ્થળોએ લગભગ સમાન હોય છે. આ બ્રિજ પણ અન્ય ફૂટઓવર બ્રિજ જેવો જ હશે. કાંદિવલી રેલવે ક્રૉસિંગ પર પણ હાલમાં ફૂટઓવર બ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે જે ૨૦૧૨ના અંત સુધીમાં પૂરી થઈ જવાની શક્યતા છે.