શિવસેનામાં બળવાને પગલે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ

22 June, 2022 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત ગણાતા અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ બળવો પોકાર્યા વચ્ચે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો પણ સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર


મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના અંગત ગણાતા અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદેએ બળવો પોકાર્યા વચ્ચે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો પણ સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું હતું. વિધાન પરિષદની ચૂંટણીમાં સંખ્યા ન હોવા છતાં પાંચેય ઉમેદવારો વિજયી થવાથી મોટા પ્રમાણમાં ક્રૉસવોટિંગ થવાથી મહાવિકાસ આઘાડી સરકારને જોરદાર આંચકો લાગ્યો હતો. ક્રૉસવોટિંગ બાદ કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્યો સંપર્કમાં ન હોવાથી પક્ષની ચિંતામાં વધારો થયો હોવાનું કહેવાય છે. 
શિવસેનાના એકનાથ શિંદેએ પક્ષમાં બળવો કર્યાની જાણ થયા બાદ કૉન્ગ્રેસ દ્વારા એના તમામ વિધાનસભ્યોને મુંબઈ પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરવા માટે પક્ષે બે દિવસથી તમામ વિધાનસભ્યોને ફોર સીઝન્સ હોટેલમાં રાખ્યા હતા. સોમવારે મતદાન કર્યા બાદ મોટા ભાગના ઉમેદવારો તેમના મતદાર સંઘમાં પાછા ગયા હતા. જોકે ગઈ કાલે તેમને મુંબઈ પાછા ફરવાનું કહેવાયું હતું. પક્ષના ૪૪માંથી ૩૯ વિધાનસભ્યો જ મુંબઈ પાછા ફર્યા હતા. આથી પાંચ વિધાનસભ્ય નૉટ રીચેબલ હોવાનું જાણવા મળ્યું હતું. 
ઉલ્લેખનીય છે કે રાજ્યના રિલીફ અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવાર સહિતના કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પક્ષથી નારાજ હોવાથી સંપર્કમાં આવેલા પાંચ વિધાનસભ્યોમાં તેમનો પણ સમાવેશ હોઈ શકે છે. 
વિધાન પરિષદની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ચંદ્રકાંત હંડોરેનો પરાજય થયો હતો. પક્ષના પહેલા ક્રમાંકના તેમને અને બીજા ઉમેદવાર ભાઈ જગતાપને ૪૪માંથી ૪૧ મત જ મળ્યા હતા. આથી પક્ષના ૩ વિધાનસભ્યો ફૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વિધાન પરિષદની ચૂંટણીમાં પરાજય થવાથી બાળાસાહેબ થોરાતે જવાબદારી સ્વીકારીને ગ્રુપ લીડરના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.

congress shiv sena maharashtra mumbai news