ફૉલો કરો આ સોસાયટીને

29 March, 2020 07:15 AM IST  |  Mumbai Desk | Bakulesh Trivedi

ફૉલો કરો આ સોસાયટીને

કાંદિવલીની માધુરી અપાર્ટમેન્ટ સોસાયટી.

શહેરમાં હજારોની સંખ્યામાં કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ છે. કોરોનાને કારણે એમાં વસતા લોકોએ શાકભાજી અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે સોસાયટીની બહાર જવું પડે છે, જે હાલના સમયમાં જોખમી છે. એથી રજિસ્ટ્રાર ઑફ હાઉસિંગ સોસાયટીએ એક સર્ક્યુલર બહાર પાડીને એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લોકોને સોસાયટીમાં જ ઉપલબ્ધ કરાવાય એવી ગોઠવણ કરવા જણાવ્યું છે. કાંદિવલીની દહાણુકરવાડીના ગોખલે રોડ પર આવેલા માધુરી અપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં શાકભાજી લેવા માટે સોસાયટીના સભ્યો એકબીજાથી દૂર ઊભા રહે અને ગિરદી ન કરે એ માટે ખાસ સર્કલ અને સ્ક્વેર બનાવ્યા હતા અને લોકો લાઇનબંધ પોતાનો વારો આવે એની રાહ જોઈને સ્વયંશિસ્ત પાળી રહ્યા હતા. મહાવીરનગરની અન્ય એક સોસાયટીમાં પણ શાકભાજીવાળાને કમ્પાઉન્ડમાં અલાયદી જગ્યા ફાળવવામાં આવી હતી. વળી એ શાકભાજીવાળાએ પણ માસ્ક પહેરીને પૂરતી તકેદારી રાખી હતી, જ્યારે શાક ખરીદનારા સોસાયટીના મેમ્બરો પણ એનાથી યોગ્ય અંતર જાળવીને શાક લઈ રહ્યા હતા.

 

વિરારની સોસાયટીનો યુનિક આઇડિયા
આ જ પ્રમાણે વિરાર-વેસ્ટમાં આવેલી ગોકુલ ટાઉનશિપની વિનય યુનિક સોસાયટીએ પણ એના મેમ્બરો માટે વ્યવસ્થા કરી છે. એ વિશે માહિતી આપતાં સોસાયટીના સેક્રેટરી વિનોદ સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા કૉમ્પ્લેક્સમાં કુલ ૯ બિલ્ડિંગ છે. જો દરેક ફ્લૅટમાંથી એક પણ જણ શાક લેવા બહાર જાય અને સંક્રમિત થઈને આવે તો બધાને એ ફેલાવાનો ડર રહે છે એથી સોસાયટી કમિટીએ નક્કી કરીને એક શાકવાળાને જ હાલમાં સોસાયટીના ગેટ પાસે દરરોજ બે કલાક બેસવાની ગોઠવણ કરી છે. દરેક બિલ્ડિંગને વાર ફાળવી દીધા છે. દરરોજ વારા પ્રમાણે એ બિલ્ડિંગના રહેવાસીઓ આવીને સુરિક્ષત અંતર જાળવીને શાકભાજી લઈ જાય છે, જેથી લોકોની સુવિધા પણ સચવાય છે અને કોરોના સામે સુરક્ષિતતા પણ જળવાય છે.

mumbai news mumbai kandivli coronavirus covid19