ફ્લૅટ લેતી વખતે ઍગ્રીમેન્ટ સહી કરતાં પહેલાં બે વાર વિચાર કરજો

28 October, 2012 03:03 AM IST  | 

ફ્લૅટ લેતી વખતે ઍગ્રીમેન્ટ સહી કરતાં પહેલાં બે વાર વિચાર કરજો



ફ્લૅટ કે ઘર ખરીદતી વખતે બિલ્ડર સાથે કરવામાં આવતા ઍગ્રીમેન્ટ પર સહી કરતાં પહેલાં એને બે-ચાર વખત વાંચી લેજો. એમાં કોઈ એવું વાક્ય નથીને જે તમારાં કાંડા કાપી દેતું હોય તો સહી કરતાં પહેલાં એને દૂર કરાવજો. ઍગ્રીમેન્ટમાં ‘જો આ ફ્લૅટ કે ઘર ખરીદનાર વ્યક્તિ નિયત સમયમાં તેણે ચૂકવવાના થતા પૈસા નહીં ચૂકવે તો આ ફ્લૅટ કે ઘર વેચનાર આ પૈસા પાછાં આપવા બંધાયેલો નથી’ એવું વાક્ય હોય તો જરા સાવચેત થઈ જજો, કારણ કે એવા કેસમાં તમે પૈસા ચૂકવવામાં નિષ્ફળ જાઓ તો તમે એ પહેલાં આપેલા પૈસા ગુમાવી દેશો. સુપ્રીમ કોર્ટે એના એક ચુકાદામાં જણાવ્યું છે કે જો ફ્લૅટ ખરીદનાર નિયત કરેલા સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો બિલ્ડર ખરીદનારે આપેલી અગાઉની રકમ કાપી શકે છે અને આ ડીલ રદ પણ કરી શકે છે.

દિલ્હીમાં એક જણે ૬૩ લાખ રૂપિયાની કિંમતનો ફ્લૅટ ખરીદ્યો હતો અને એના માટે તેણે બિલ્ડરને સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીની રકમ ચૂકવવામાં ફ્લૅટ ખરીદનાર નિષ્ફળ ગયો એટલે બિલ્ડરે આ ડીલ રદ કરી દીધી અને તેણે અગાઉ આપેલા રૂપિયા પણ પાછા આપ્યા નહીં. કોર્ટે એના ચુકાદામાં એવું નોંધ્યું કે બિલ્ડર આવું કરી શકે છે.

આનો અર્થ એ થયો કે જો ફ્લૅટ ખરીદનાર નક્કી કરેલા અને ઍગ્રીમેન્ટમાં નોંધવામાં આવેલા સમયમાં બિલ્ડરને નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેણે ઘણું મોટું નુકસાન ભોગવવાનું રહેશે. મુંબઈ હોય કે દિલ્હી, દરેક સ્થળે બિલ્ડરો આ ચુકાદાને એક હથિયાર તરીકે વાપરશે. ફ્લૅટ ખરીદનારાઓ માટે આ સારા સમાચાર નથી.

ઍડ્વોકૅટ વિનોદ સંપતે આ વિશે કહ્યું હતું કે ‘બિલ્ડર સાથે કરવામાં આવેલા ઍગ્રીમેન્ટની શરતો મુજબ જો ભવિષ્યમાં ફ્લૅટ ખરીદનાર પૈસા ચૂકવવામાં ઢીલ કરે તો તેને મોટું નુકસાન થશે. આથી ઍગ્રીમેન્ટ કરતી વખતે આવી કોઈ શરત એમાં નથીને એની ખાસ તકેદારી રાખવાની રહેશે. એકાદ નાની ભૂલ પણ હવે ખરીદદારને ભારે પડી શકે એમ છે. આને કારણે બિલ્ડરોને પણ ફાયદો થશે, કારણ કે થોડી રકમ આપીને બુકિંગ કરાવ્યા પછી પૈસા નહીં ચૂકવતા લોકોની તેઓ ડીલ રદ કરી શકશે. આને કારણે તેમના પ્રોજેક્ટ પણ અટકતા બંધ થશે.’

પૈસા પાછા આપવા કે નહીં એ બિલ્ડરનો અધિકાર

મુંબઈના મોટા ભાગના બિલ્ડરો ઍગ્રીમેન્ટમાં એવી શરત રાખે છે કે પ્રાથમિક રકમ ચૂકવ્યા પછી જો ફ્લૅટ ખરીદનાર ડીલ રદ કરવા ચાહે તો ખરીદનારે આપેલી રકમને પાછી આપવી કે નહીં એ નક્કી કરવાનો અધિકાર બિલ્ડર ધરાવે છે અને એ રકમ ચૂકવ્યા વિના આ ડીલ રદ કરી પણ કરી શકે છે.