કોળગાંવની પાંચ વર્ષની ટ્વિન્સ બાળકીઓ ખરા અર્થમાં દેશભક્ત

30 March, 2020 12:13 PM IST  |  Mumbai Desk

કોળગાંવની પાંચ વર્ષની ટ્વિન્સ બાળકીઓ ખરા અર્થમાં દેશભક્ત

મુખ્ય પ્રધાન રાહત નિધિ માટે પોતાની પિગ્ગી બૅન્ક આપતાં કશિશ અને મિષ્ટી સંખે.

દેશમાં મહામારીએ ભરડો લીધો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ધનવાનો અને ક્ષમતા પ્રમાણે દાન કરી શકતા નાગરિકોને આગળ આવવા માટેની અપીલ કરી છે. અનેક શ્રીમંતો અને કૉર્પોરેટ કંપનીઓ તેમ જ અભિનેતા અને રાજકારણીઓએ સહાય માટેનો હાથ લંબાવ્યો છે ત્યારે કોળગાંવમાં રહેતી પાંચ વર્ષની ટ્વિન્સ બાળકીઓએ ખરા અર્થમાં મોદીની અપીલને સાંભળીને દેશની જનતા માટે પોતાનું યોગદાન આપ્યું હતું.

કોરોનામાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દેશની ગરીબ પ્રજાને મદદ કરવા માટે કોળગાંવની ટ્વિન્સ બાળકી કશિશ અને મિષ્ટીએ પોતાની પિગ્ગી બૅન્કમાં જમા કરેલી રકમને દાનમાં આપવાનું નક્કી કર્યું હતું. આ બન્ને બાળકી કોળગાંવ ગ્રામપંચાયતનાં સભ્ય સ્નેહલ સંખેની દીકરી છે.

સ્નેહલ શંખે કહે છે કે મારી બન્ને દીકરીએ મને કહ્યું હતું કે ‘બધા લોકો કોરોનાગ્રસ્તો માટે કંઈ ને કંઈ મદદ કરી રહ્યા છે તો આપણે પણ કંઈક કરીએ. તે બન્નેએ પોતાની પિગ્ગી બૅન્કમાં જમા કરેલી ૭૭૭૫ રૂપિયાની રકમ મારા હાથમાં મૂકી દીધી હતી અને લોકોની સહાય માટે વાપરવા કહ્યું હતું.’

આખા દેશમાં કોરોનાના સૌથી વધુ દરદી મહારાષ્ટ્રમાં છે જે ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે કોળગાંવની પાંચ વર્ષની ટ્વિન્સને સહાય કરવા માટેનો ઉમદા વિચાર આવ્યો હતો. કશિશ અને મિષ્ટીએ પિગ્ગી બૅન્કમાં જમા કરેલી ઉક્ત રકમને તેની મમ્મી સ્નેહલે મુખ્ય પ્રધાન ભંડોળમાં જમા કરાવી હતી.

mumbai news mumbai coronavirus covid19