૧૧ દિવસ, ૨૧ કેસ, ૮ સૉલ્વ

08 February, 2021 12:42 PM IST  |  Mumbai | Mehul Jethva

૧૧ દિવસ, ૨૧ કેસ, ૮ સૉલ્વ

મુંબઈનું એક સાઇબર પોલીસ સ્ટેશન

૨૬ જાન્યુઆરીથી મુંબઈમાં પાંચ ઝોનમાં પાંચ નવાં સાઇબર પોલીસ-સ્ટેશન શરૂ કરવામાં આવ્યાં છે. આ પહેલાં મુંબઈમાં સાઇબર ગુનાઓની ફરિયાદ માટે એક જ પોલીસ-સ્ટેશન હતું. જોકે હાલમાં વધતા જતા સાઇબર ગુનાઓને ધ્યાનમાં રાખીને મુંબઈના ઈસ્ટ, વેસ્ટ, સાઉથ અને નૉર્થ જેવા વિસ્તારોમાં ઝોન પ્રમાણે સાઇબર પોલીસ-સ્ટેશનો શરૂ કરવામાં આવ્યાં છે. છેલ્લા ૧૧ દિવસમાં સાઇબરને લગતી કુલ ૨૧ ફરિયાદ નોંધવામાં આવી હતી. એમાંથી આઠ કેસમાં તપાસ પૂરી કરીને એમાંથી રિકવરી પણ કરવામાં આવી છે. દરેક ઝોનમાં એક સાઇબર પોલીસ-સ્ટેશન બનવાથી કેસ નોંધવાથી લઈને તપાસમાં ઝડપ આવી હોવાનું ટૂંક સમયમાં આટલા કેસ ઉકેલવા પરથી જણાઈ આવે છે. બીજું, પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાનું સરળ બનતાં લોકોના રૂપિયા ગુનેગારોના હાથમાં જતાં રોકવામાં સફળતા મળી છે.

મુંબઈમાં સાઇબર ગુનાઓ સતત વધી રહ્યા છે. એક અંદાજ મુજબ મુંબઈનાં કુલ ૯૪ પોલીસ-સ્ટેશનોમાં દિવસની ૧૦૦ જેટલી ફરિયાદો સાઇબર ક્રાઇમ સંબંધી આવતી હોય છે. સ્થાનિક પોલીસને બંદોબસ્ત, નાકાબંધી જેવા ક્રાઇમ માટેનાં અન્ય કાર્ય કરવાનાં હોય છે. નવાં સાઇબર પોલીસ-સ્ટેશનો માત્ર સાઇબરની ફરિયાદની જ તપાસ કરશે એટલે મોટા ગુનાઓ પર અંકુશ લાવી શકાશે. દરેક પોલીસ-સ્ટેશનનું નેતૃત્વ વરિષ્ઠ નિરીક્ષક રૅન્કના અધિકારી કરશે અને એમાં ચાર ઇન્સ્પેક્ટર, છ સબ-ઇન્સ્પેક્ટર, ૧૦ સબ-ઇન્સ્પેક્ટર અને ૪૦ કૉન્સ્ટેબલોનો સમાવેશ છે.

છેલ્લા દસ દિવસમાં આવેલી ફરિયાદોમાં સાઉથ સાઇબર પોલીસ-સ્ટેશને પાંચ ફરિયાદ નોંધી છે. એમાંથી બે કેસ ઉકેલવામાં આવ્યા છે. સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. એમાંથી બે કેસ ઉકેલવામાં આવ્યા છે. ઈસ્ટર્ન સાઇબર પોલીસ-સ્ટેશનમાં છ ફરિયાદ નોંધાઈ છે. એમાંથી એક કેસ ઉકેલાયો છે. નૉર્થ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ત્રણ ફરિયાદ નોંધાઈ છે. એમાંથી બે કેસ ઉકેલી કાઢ્યા છે. બાંદરા સાઇબર પોલીસ-સ્ટેશનમાં ચાર ફરિયાદ નોંધાઈ છે. એમાંથી એક કેસ ઉકેલાયો છે.’

સેન્ટ્રલ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય ગોહિલકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે નોંધાયેલી અનેક ફરિયાદો પરથી જણાઈ આવે છે કે લોકો લાલચ અથવા મૅટ્રિમોનિયલને લગતા ફ્રૉડમાં ‍પૈસા આપી દેતા હોય છે. એટલે સામેની વ્યક્તિને મળ્યા અને જાણ્યા વગર પૈસા ન આપવા. અમારી પાસે આવેલી ત્રણ ફરિયાદમાંથી એક ફરિયાદ એ રીતની હતી જેમાં એક વેપારીના નામ પરથી ૧૩ લાખ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન બૅન્કમાં થયું હતું. એના આધારે અમે તરત જ આ બૅન્કમાંથી અન્ય બૅન્કમાં ગયેલા પૈસા બ્લૉક કરી દીધા હતા. આ કેસમાં ૧૧ લાખ રૂપિયાની રિકવરી કરી છે. આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. મુંબઈમાં એકને બદલે વધુ પાંચ સાઇબર પોલીસ-સ્ટેશન શરૂ થવાને પગલે ફરિયાદ નોંધવાથી લઈને કેસ ઉકેલવામાં ઝડપ આવી છે. આગામી સમયમાં તમામ પોલીસ-સ્ટેશનો જરૂરી સ્ટાફ સાથે કામ કરતાં થઈ જશે. ત્યાર બાદ સાઇબરને લગતા કેસમાં ૪૦ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા છે.’

mumbai mumbai news mehul jethva