બ્રેક અપાવવાના નામે સુંદર યુવતીઓ પાસે કરાવ્યું પૉર્ન ફિલ્મનું શૂટિંગ

06 February, 2021 09:21 AM IST  |  Mumbai | Mid-day Correspondent

બ્રેક અપાવવાના નામે સુંદર યુવતીઓ પાસે કરાવ્યું પૉર્ન ફિલ્મનું શૂટિંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય - મિડ-ડે)

બૉલીવુડમાં કરીઅર બનાવવા માગતી દેશભરમાંથી આવતી સુંદર યુવતીઓને બ્રેક અપાવવાના નામે પૉર્ન ફિલ્મનું શૂટિંગ કરવામાં ઉપયોગ કરીને તેમનું શોષણ કરવામાં આવતું હોય છે. મલાડના મઢ ખાતેના એક બંગલામાં આ પ્રકારનું ગેરકાયદે કામ થતું હોવાની માહિતીના આધારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલની ટીમે દરોડો પાડીને બે મહિલા સહિત પાંચ આરોપીની ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી. મહિલા આરોપીઓ ફોટોગ્રાફર અને ગ્રાફિક ડિઝાઇનર હોવાનું તો પુરુષ આરોપીઓ લાઇટ-કૅમેરામૅન અને અભિનેતાઓ હોવાનું જણાઈ આવ્યું હતું. આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં પૉર્ન ફિલ્મો અને શૂટિંગ કરવા માટેના કૅમેરા સહિતનાં સાધનો મળીને કુલ ૩૬.૬૦ લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં જણાયું હતું કે પ્રોડક્શન કંપની દ્વારા બંગલા અને શૂટિંગ માટેનાં કપડાં ભાડે લઈને પૉર્ન ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવતું હતું. આ ફિલ્મ પૉર્ન સાઇટ અને મોબાઇલ ઍપ્લિકેશનમાં અપલોડ કરાતી હતી. પૉર્ન ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મોમાં કામ કરવા માગતી સુંદર યુવતીઓનો ઉપયોગ કરાતો હતો. ડિરેક્ટર, ફાઇનૅન્સર, ક્રીએટિવ મૅનેજર યુવતીઓને ધમકાવીને બળાત્કાર કરાતો હોય એવા અ‌શ્લીલ શૂટ કરાવતા હોવાનું જણાયું હતું.

બાતમીના આધારે ફરિયાદ કરનારા સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત સાળુંખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૉર્ન ફિલ્મ શૂટ કર્યા બાદ આરોપીઓ મોબાઇલ ઍપ અને પૉર્ન વેબસાઇટમાં પોસ્ટ કરવાની સાથે પોતાની hothit movies નામની મોબાઇલ ઍપ્લિકેશન બનાવી હતી એનું સબસ્ક્રિપ્શન કરવા ચાર્જ લેતા હતા. કંપની લાખોની કમાણી કરતી હતી, પરંતુ જે યુવતીનું શૂટિંગ કરાયું હોય તેને તેઓ વળતર ચૂકવતા ન હોવાનું તપાસમાં જણાયું છે. આરોપીઓ સામે માલવણી પોલીસ-સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરાઈ હતી. કોર્ટે તેમને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આરોપીઓની વધુ પૂછપરછ પરથી તેમણે અત્યાર સુધી આવી કેટલી પૉર્ન ફિલ્મ બનાવી છે, કેટલી યુવતીઓને ફસાવી છે અને કેટલી કમાણી કરી છે એની માહિતી મેળવાઈ રહી છે.’‍

mumbai mumbai news malad madh island Crime News mumbai crime news