દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે ફાળવો પાંચ કલાક

22 September, 2012 06:24 AM IST  | 

દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે ફાળવો પાંચ કલાક



રાજ્ય સરકાર ઇચ્છે છે કે સ્કૂલો સ્પોર્ટ્સમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એટલે  અઠવાડિયામાં પાંચ કલાક સ્પોર્ટ્સના વિષયને ફાળવે. યશપાલ કમિટી દ્વારા પણ સ્કૂલોમાં દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે પાંચ કલાક ફાળવવાની ભલામણ કરવામાં આવી હોવા છતાં સ્ટેટ સ્પોર્ટ્સ પૉલિસી દ્વારા રચાયેલી કમિટીની ફરિયાદ પ્રમાણે યશપાલ કમિટીની આ ભલામણનું સ્કૂલો દ્વારા પાલન કરવામાં નથી આવતું. આ કારણે રાજ્ય સરકારે હવે અલગ-અલગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી તમામ સ્કૂલોને ૨૨ ઑગસ્ટે નવો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (જીઆર) પાઠવીને દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે પાંચ કલાક ફરજિયાત ફાળવવા જણાવ્યું છે, કારણ કે સરકાર ઇચ્છે છે કે સ્કૂલો આ પ્રવૃત્તિને વધારે ઉત્તેજન આપે.

રાજ્ય સરકાર દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે પાંચ કલાક ફાળવવાનો આગ્રહ કરે છે ત્યારે સ્ટેટ બોર્ડની સ્કૂલોની દલીલ છે કે આમ કરવામાં એણે કેટલાક વિષયોના ક્લાસ કૅન્સલ કરવા પડશે, જ્યારે સ્પોર્ટ્સના વિષય માટે બીજા ટીચરની નિમણૂક કરવી પડશે. ઇન્ટરનૅશનલ સ્કૂલોનો દાવો છે કે તેઓ વિદ્યાર્થીઓને શારીરિક ફિટનેસ જાળવવા દિવસ દરમ્યાન અનેક પ્રવૃત્તિઓ કરાવે છે.

સર જે. જે. ર્ફોટ બૉય્ઝ હાઈ સ્કૂલનાં હેડ મિસ્ટ્રેસ રેખા દેસાઈએ કહ્યું હતું કે ‘અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે અઠવાડિયામાં બે દિવસ ૩૫ મિનિટના સ્પોર્ટ્સના બે પિરિયડ હોય છે. જો સ્કૂલોને દર અઠવાડિયે સ્પોર્ટ્સ માટે પાંચ કલાક ફાળવવાની ફરજ પાડવામાં આવશે તો સ્કૂલે ટાઇમટેબલમાં ફેરફાર કરવો પડશે અને વધારે ટીચરોની પણ જરૂર પડશે.’

સાઉથ મુંબઈની સ્કૂલોનાં કન્વીનર અને પ્રિન્સિપાલ સબીના ઝવેરીએ આ વાતનો પડઘો પાડતાં કહ્યું હતું કે ‘આ નિયમનું પ્રૅક્ટિકલી પાલન કરવું શક્ય નથી, ખાસ કરીને એ સ્કૂલો માટે જેની પાસે પોતાનું પ્લેગ્રાઉન્ડ નથી. આવી સ્કૂલો શું કરશે? એક વાર આ જીઆર અમારી પાસે આવશે પછી અમે અમારી સમસ્યાની વાતચીત કરીશું.’

આ મુદ્દે વાત કરતાં સ્ટેટ બોર્ડના ચૅરમૅન સર્જેરાવ જાધવે કહ્યું હતું કે સરકારે સ્કૂલના વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સને ઉત્તેજન આપવા માટે આ પગલું લીધું છે એ એક સારો પ્રયાસ છે, પણ અમને હજી આ જીઆર નથી મળ્યો.

જીઆર = ગવર્નમેન્ટ રિઝોલ્યુશન