૫૦ લાખના વીમા માટે વાઇફનું મર્ડર?

12 March, 2023 07:39 AM IST  |  Mumbai | Mehul Jethva

વસઈની રાશિ જૈનના મૃત્યુના પાંચ મહિના બાદ શંકા જતાં પોલીસે પતિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી : રાશિને મૃત્યુ પહેલાં કોઈ દવા પિવડાવવામાં આવી હતી

વસઈની આ સોસાયટીમાં રાશિ જૈન પતિ સાથે રહેતી હતી. તસવીર: હનિફ પટેલ

મુંબઈ : વસઈમાં રહેતી એક મહિલાનું સપ્ટેમ્બર મહિનામાં બીમારીને કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મહિલાના પરિવારને મળી હતી, જે પછી પરિવારે મહિલાના અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના મૃત્યુ પાછળની માહિતીઓ કાઢી હતી, જેમાં મહિલાને મૃત્યુ પહેલાં કોઈ દવા પીવડાવવામાં આવી હતી. એ સાથે મૃત્યુ સમયે તેના મોઢામાંથી ફીણ નીકળતું હોવાની જાણ પરિવારને થઈ હતી. તેનું ડેથ-સર્ટિફિકેટ પણ ચોક્કસ ડૉક્ટર દ્વારા આપવામાં આવ્યું નહોતું. એટલું જ નહીં, તેના મૃત્યુના ૧૦ દિવસ પહેલાં તેના નામે ૫૦ લાખ રૂપિયાની વીમા પૉલિસી કાઢવામાં આવી હતી. આવી તમામ માહિતીઓ સામે આવતાં મહિલાના પરિવારે તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. માણિકપુર પોલીસે આ કેસમાં વધુ માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં રહેતી ૩૯ વર્ષની રાશિ આનંદ જૈનનાં લગ્ન ૨૦૨૧ની બીજી ફેબ્રુઆરીએ મૅટ્રિમોનિયલ સાઇડ પરથી ઓળખ થયેલ વસઈ-વેસ્ટમાં અંબાડી રોડ પર અષ્ટવિનાયક લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતા હેતલ વિપિન શાહ સાથે થયાં હતાં. રાશિના પિતાએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે ‘રાશિને લગ્ન પહેલાં કોઈ બીમારી નહોતી. લગ્નના માત્ર ચાર મહિના બાદ તેને કિડનીની બીમારી થઈ હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું, જેના માટે અમે લાખો રૂપિયા દવા માટે બૅન્કમાં ટ્રાન્સફર કર્યા હતા. રાશિનો ઇલાજ બોરીવલીમાં ડૉક્ટર ખન્ના પાસે ચાલુ હતો. જોકે દિવસે-દિવસે તેની તબિયત વધુ ખરાબ થતી જતી હતી. દરમ્યાન તેના પતિ હેતલે તેની બીમારી માટે કોઈ મદદ કરી નહોતી અને તેને મરી જવા માટે કેટલીયે વાર કહ્યું હતું. જૂન ૨૦૨૨માં રાશિને ડાયાલિસિસ કરવું ફરજિયાત થયું હતું, જે પછી તેને વધુ ત્રાસ આપવામાં આવતો હોવાનું રાશિએ પરિવારના સભ્યોને કહ્યું હતું. ૨૦ સપ્ટેમ્બરે તેના પતિ હેતલે તેને સફેદ દવા ખાવા માટે આપી હતી, જે પછી રાશિને જુલાબ શરૂ થઈ ગયા હતા અને ૨૧ સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું.’

રાશિના પિતા આનંદે ફરિયાદમાં દાવો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે તેઓ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા ત્યારે રાશિના અંતિમ સંસ્કાર તેમણે પોતે કર્યા હતા. તેનો પતિ કે તેના પરિવારમાંથી કોઈ હાજર રહ્યું નહોતું. ત્યાર બાદ તેના ડેથ-સર્ટિફિકેટની માહિતી માગતાં એના પતિ હેતલે અમને મારવાની ધમકી આપી હતી. ત્યાર બાદ અમે મુંબઈથી પાછા પોતાના વતન ફરી રહ્યા હતા અમને જાણ થઈ હતી કે તેનું ડેથ-સર્ટિફિકેટ બનાવનાર ડૉક્ટર બીએચએમએસ હતો. રાશિએ કોઈ દિવસ હોમિયોપૅથિક દવા લીધી નથી તો તેણે કઈ રીતે ડેથ-સર્ટિફિકેટ બનાવ્યું. રાશિના મૃત્યુ સમયના ફોટો જોતાં તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું એ શેનું હતું, એની પણ જાણ અમને થઈ નહોતી. અગત્યનું એ કે રાશિના મૃત્યુના માત્ર ૧૦ દિવસ પહેલાં બજાજ આલિયાન્સનો ૫૦ લાખ રૂપિયાનો વીમો તેના નામે કઢાવવામાં આવ્યો હતો. આ તમામ વાતોથી સામે એ આવ્યું કે તેના પતિએ માત્ર પૈસા મેળવવા માટે તેને દવા આપી, જેનાથી તેનું મૃત્યુ થયું.’

વસઈ માણિકપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર અશોક કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસ મૂળ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. જોકે ઘટના અહીં બની હોવાથી અમને આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. અમે પ્રાથમિક માહિતીની આધારે ફરિયાદ નોંધી છે. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.’ 

mumbai mumbai news vasai mehul jethva