ઇટ્સ ઇમ્પૉસિબલ, ડેડલાઇન લંબાવો

22 May, 2022 07:35 AM IST  |  Mumbai | Rohit Parikh

પાંચ લાખ દુકાનદારો બીએમસીએ આપેલી તારીખ ૩૧ મે પહેલાં મરાઠીમાં બોર્ડ લગાવવા અસમર્થ : ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ, મલાડના વેપારીઓ અને નટરાજ માર્કેટ કમિટીએ કરી એક વર્ષની મુદતની માગણી

બીએમસીના પી/એન વૉર્ડમાં શૉપ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટના અધિકારીઓ સાથે ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન, મલાડના વેપારીઓ અને નટરાજ માર્કેટ કમિટીના પદાધિકારીઓ.

મુંબઈ : બીએમસીએ દુકાનદારોને તેમની દુકાનોનાં બોર્ડ મરાઠીમાં લખવા માટે આપેલો ૩૧ મે સુધીનો સમય ખૂબ જ ઓછો છે; અમે રાજ્ય સરકાર, બીએમસી અને કોર્ટના આદેશનું પાલન કરવા તૈયાર છીએ; પણ મુંબઈના પાંચ લાખ દુકાનદારોનાં બોર્ડ એકસાથે બદલવાં અશક્ય છે એટલે બીએમસીએ મરાઠીમાં બોર્ડ લખવા માટેનો સમય ઓછામાં ઓછો એક વર્ષ સુધીનો આપવો જોઈએ એવી માગણી ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન, મલાડના વેપારીઓ અને નટરાજ માર્કેટ કમિટી તરફથી કરવામાં આવી છે. આ વેપારીઓ કહે છે કે રાતોરાત બોર્ડ બદલવા માટે અમે પૈસા આપીએ તો પણ મુંબઈમાં એટલો મેનપાવર કે મશીનરી નથી કે રાતોરાત મરાઠીમાં બોર્ડ બની જાય અને અમે બદલી શકીએ. 
સૌથી મહત્ત્વની વાત એ છે કે સરકાર કે બીએમસીએ હજી સુધી કોઈ દંડાત્મક કાર્યવાહીની રૂપરેખા પણ તૈયાર કરી નથી. જેટલા અધિકારીઓ એટલા મોઢે દંડાત્મક કાર્યવાહીની અવનવી જાણકારી જાણવા મળે છે. આ મુદ્દે બીએમસીના એક પણ વૉર્ડના લાઇસન્સ કે શૉપ્સ ઍૅન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે નક્કર જાણકારી નથી એને કારણે દુકાનદારોમાં વધુ ફફડાટ ફેલાયો છે. 
આ બાબતની માહિતી આપતાં ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી શૈલેષ બી. ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીએમસીએ ૬ એપ્રિલે એક આદેશ બહાર પાડીને જણાવ્યું હતું કે મુંબઈની તમામ દુકાનો અને સંસ્થાઓએ કદને ધ્યાનમાં લીધા વિના મરાઠીમાં સાઇનબોર્ડનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર બાદ ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન તરફથી હું અને પારસમલ જૈન, મલાડના વેપારીઓ અને નટરાજ માર્કેટ કમિટીએ સાથે મળીને ૧૯ મેએ મલાડના વિસ્તારોને આવરી લેતા બીએમસીના પી/એન વૉર્ડના અધિકારી સાથે બેઠક યોજી હતી. એમાં અમને કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં દુકાનો અને ઑફિસો તથા સંસ્થાઓ પર મરાઠીમાં બોર્ડ લગાવવાં ફરજિયાત છે. બીએમસીના શૉપ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટે કૉર્પોરેશન પ્રશાસન પાસે આ નિર્ણયનો અમલ કરવાની તેમ જ કાર્યવાહી કરવાની પરવાનગી માગી છે. બુધવારે જારી કરાયેલી બીએમસીની પ્રેસ-નોટમાં જણાવાયું છે કે આ નિયમ તરત જ લાગુ થશે.’
અમે એની સામે દલીલ કરી હતી કે મલાડમાં પાંચ હજારથી વધુ દુકાનો છે એમ જણાવીને  પારસમલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈનું મલાડસ્થિત સૌથી મોટું કમર્શિયલ રીટેલ સેન્ટર, નટરાજ માર્કેટ, બીએમસી માર્કેટ, ધ મૉલ, મલાડ શૉપિંગ સેન્ટર, સાંઈનાથ માર્કેટ મળીને અંદાજે ૫૦૦૦ વધુ દુકાનો હશે. એવામાં પુષ્કળ દુકાનદારો સાથે મર્યાદિત સમયમાં દુકાનોને અલ્ટિમેટમ મળી ગયું છે કે મહારાષ્ટ્ર એસેમ્બ્લીએ ગયા મહિને દુકાનો અને સંસ્થાઓ માટે દેવનાગરી લિપિમાં મરાઠી સાઇનબોર્ડ ફરજિયાત બનાવતા બિલને મંજૂરી આપી છે. બીએમસીના અલ્ટિમેટમ પ્રમાણે અમારે ૩૧ મે સુધીમાં અમારા દુકાનોનાં નામનાં બોર્ડ મરાઠીમાં લખવાનાં છે. એ કેવી રીતે શક્ય છે તેમ જ બોર્ડ બનાવવાનો ખર્ચ દુકાનદાર કેવી રીતે ઉઠાવશે?’
કોવિડકાળમાંથી માંડ-માંડ વેપારીઓ અને દુકાનદારો તેમની આર્થિક મુસીબતમાંથી બહાર આવી રહ્યા છે એમ જણાવીને ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશનના સેક્રેટરી હરેન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે તો બીએમસીએ એ શું દંડાત્મક કાર્યવાહી કરશે એની કોઈ જ સ્પષ્ટતા કરી નથી. જોકે બીએમસીના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે જે દુકાનદાર તેના દુકાનના નામનું બોર્ડ મરાઠીમાં લખવામાં નિષ્ફળ જશે તેને તેની દુકાનના દરેક કર્મચારી પર ૨૦૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. વેપારીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે. એક અંદાજ પ્રમાણે એક બોર્ડ બનાવવાનો ઓછામાં ઓછો ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા થશે. એ મુજબ મલાડની ૫૦૦૦ દુકાનોનાં બોર્ડ બદલવાનો ખર્ચ ૨૫ કરોડ રૂપિયા થાય. મુંબઈમાં બીએમસીના રેકૉર્ડ પ્રમાણે પાંચ લાખ દુકાનો છે. તો એનો ખર્ચ કેટલો થાય એ સરકાર સમજી શકે એમ છે.’
આટલા મોટા ખર્ચમાંથી બચવા માટે અમુક દુકાનદારોએ તેમના બોર્ડ પર મરાઠી ભાષાનાં બૅનરો લગાડી દીધાં છે એમ જણાવીને શૈલેષ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘આ બૅનરોથી સ્વચ્છ મુંબઈ, સુંદર મુંબઈની ઇમેજને ધક્કો પહોંચવાની પૂરી શક્યતા છે. આ બૅનરો પણ સસ્તાં બનતાં નથી. ફ્લેક્સોગ્રાફ બૅનરોથી ઇન્ટરનૅશનલ આર્થિક રાજધાની મુંબઈની સૂરત કેવી બની જશે? અમે કાયદાનો વિરોધ કરતા નથી, પરંતુ પ્રશાસને એ પણ વિચારવું જોઈએ કે પાંચ લાખ દુકાનદારો અને અન્ય સંસ્થાઓ રાતોરાત કેવી રીતે તેમના નામનાં બોર્ડ બદલી શકશે? શું મુંબઈ પાસે એટલો મેનપાવર અને મશીનરી છે? આ બધો અભ્યાસ કર્યા પછી અમે માગણી કરી રહ્યા છીએ કે સરકાર અને બીએમસીએ મરાઠીમાં બોર્ડ લગાવવા માટે દુકાનદારોને એક વર્ષનો સમય આપવો જોઈએ. સરકાર અમારી વાત પર પુનઃ વિચાર કરીને અમને ન્યાય આપી શકે એમ છે.’


 

 

 

mumbai news