21 December, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સિંધુદુર્ગના ૪૧ વર્ષના દરદીમાં કોવિડ-૧૯ ઓમાઇક્રોન વેરિઅન્ટ JN-1 સબ-ટાઇપનો પ્રથમ કેસ મળી આવ્યો છે. રાજ્યએ હાલ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને સીવર ઍક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન (સારી)ના દરદીઓના ટેસ્ટિંગ સાથે તમામ જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરી માટે કમર કસી છે. નોંધનીય છે કે એવા કોઈ પુરાવા નથી કે JN-1 વેરિઅન્ટની ચેપી વ્યક્તિમાં એના પહેલાંના કરતાં અલગ લક્ષણો ધરાવે છે કે ન તો એ વધુ તીવ્ર હોવાનું સૂચવતા કોઈ ડેટા છે.
મહારાષ્ટ્ર ઉપરાંત ગોવામાં ૧૯ અને કેરલામાં એક કેસ ડિટેક્ટ થયો છે. ૧૯ ડિસેમ્બર મંગળવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૪ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં ૪, થાણેમાં ૩, રાયગડમાં ૧, પુણેમાં ૪ અને પિંપરી-ચિંચવડમાં ૨. હાલ રાજ્યમાં ૪૫ ઍક્ટિવ કેસ છે, જેમાં ૨૭ શહેરમાં નોંધાયા છે. JN-1 ડિટેક્ટ થવા સિવાય રાજ્યમાં વધુ પ્રભુત્વ ધરાવતો કોવિડ-૧૯નો વેરિઅન્ટ ઓમાઇક્રોન એક્સબીબી ૧.૧૬ છે. દરમ્યાન યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને મળી ગઈ કાલે કોવિડ-૧૯ની પરિસ્થિતિની અપડેટ મેળવી હતી.
મહત્ત્વની બેઠક મળી
રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રીએ અવેલેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેસોને પહોંચી વળવાની તેમની કૅપેસિટીનો તાગ મેળવ્યો હતો. બેઠકમાં હાજર રહેલા રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમે ઓવરઑલ પરિસ્થિતિ, ટેસ્ટિંગ ફિગર અને નોંધાયેલા કેસો વિશે પૃચ્છા કરી છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. રાજ્યએ પણ જણાવ્યું કે વધતા કેસો માટે ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. અંતિમ ઘડીએ સર્જાતી ભાગદોડને પગલે હેલ્થ મિનિસ્ટ્રીએ રાજ્યોને દર ૩ મહિને મૉક-ડ્રિલ માટે જાણ કરી હતી.
મહારાષ્ટ્ર નોડલ ઑફિસર દ્વારા ૧૫ ડિસેમ્બરથી ૩ દિવસ માટે જિલ્લા કક્ષાએ મૉક-ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૯૫૫ સરકારી હૉસ્પિટલ, ૫૭૫ ખાનગી હૉસ્પિટલ, ૧૪ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, ૧૪ ખાનગી કૉલેજ હૉસ્પિટલ અને ૬ મેડિકલ આ મૉક-ડ્રિલનો ભાગ રહી હતી. રાજ્ય અધિકારીઓએ અવેલેબલ બેડ, આઇસીયુ સુવિધા, ઑક્સિઝનની સુવિધા, દવાનો સ્ટૉક, મેડિકલ સ્ટાફ, તેમની તાલીમ અને ટેલેમેડિસિન ફૅસિલિટીની પણ સમીક્ષા કરી હતી. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ‘સૌથી વધુ કોવિડ કેસ હતા ત્યારે જેટલો ઑક્સિજન હતો હાલ મહારાષ્ટ્ર પાસે એનાથી બમણા ઑક્સિજનની સુવિધા છે.’