✕

મુંબઈમાં ફુટપાથ પર વારંવાર વાહન પાર્ક કરનારા સામે હવે નોંધાશે FIR

28 October, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

 જાહેર જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ પ્રથમ ગુનો : ૫૦૦ રૂપિયા દંડ! ત્યાર બાદના ગુના માટે : ૧૫૦૦ રૂપિયા  દંડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં ફુટપાથ પર વારંવાર વાહનો પાર્ક કરીને રાહદારીઓ માટે અડચણ ઊભી કરનારા વાહનચાલકો સામે મુંબઈની ટ્રાફિક-પોલીસ હવે સીધો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધશે. ફુટપાથ પરનાં અ‌તિક્રમણને કારણે રાહદારીઓએ જીવના જોખમે રસ્તા પર ચાલવા મજબૂર બનવું પડે છે, જેને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત આ પ્રકારનું કડક કાનૂની પગલું ભરવામાં આવી રહ્યું છે.
જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ટ્રાફિક-પોલીસે સમગ્ર શહેરમાં ગેરકાયદે પાર્કિંગ સામે ઝુંબેશ ચલાવીને ૧૧ લાખ વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી. ખાસ કરીને બસ-સ્ટૉપ્સ, રેલવે-સ્ટેશનો અને જંક્શનો નજીકના ગેરકાયદે પાર્કિંગ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જૉઇન્ટ કમિશનરે વાહનચાલકોને ૩૦,૦૦૦થી વધુ વાહનોની ક્ષમતા ધરાવતા પબ્લિક પાર્કિંગ લૉટ્સ (PPL)નો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. ટ્રાફિક-પોલીસ અને પાલિકા સંયુક્ત રીતે PPLને સુવ્યવસ્થિત કરી રહ્યા છે અને હવે આ તમામ પાર્કિંગ લૉટ્સનું લોકેશન ઑનલાઇન મૅપ્સ પર જોઈ શકાય છે.

આ ઉપરાંત ટ્રાફિક વિભાગે રસ્તાઓ પર ટ્રાફિક જૅમ કરતાં બિનવારસી વાહનો સામે ૪ મહિનાનું ખાસ અભિયાન ચલાવીને ૧૬૯ ગુના નોંધ્યા હતા અને ૪૬૬થી વધુ વાહનો ટો કરી લીધાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે બિનવારસી વાહનો ઓળખીને એના પર નોટિસ ચોંટાડવામાં આવે છે અને ૬૦થી ૮૦ દિવસમાં જો માલિક એને ન હટાવે તો એને જપ્ત કરીને ટો કરવામાં આવે છે.

 

mumbai news mumbai mumbai suburbs mumbai police mumbai traffic