૨૦૦ કરોડના હૅકિંગની તપાસ કરનાર પોલીસ અધિકારી પર થયું ફાયરિંગ

09 March, 2020 06:08 PM IST  |  Mumbai Desk

૨૦૦ કરોડના હૅકિંગની તપાસ કરનાર પોલીસ અધિકારી પર થયું ફાયરિંગ

ગોળીબારમાં બાલબાલ બચી ગયેલાં પાલઘર પોલીસનાં મહિલા ઑફિસર સિધભાવ જયભાયે

પાલઘર પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક મહિલા પોલીસ અધિકારી પર શનિવારે રાતે ગોળીબાર થયો હતો. ઑફિસર કારમાં હતી ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા આરોપીએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદ્નસીબે ગોળી નજીકથી પસાર થઈ જતાં ઑફિસરને આ હુમલામાં કોઈ ઈજા નથી થઈ. તેમની પાસે કૉર્પોરેટ હૅકિંગના ૨૦૦ કરોડના એ કેસની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે જણાવ્યા મુજબ શનિવારે રાતે ૮.૩૦ વાગ્યે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની અસિસ્ટન્ટ પોલીસ અધિકારી સિધભાવ જયભાયે વિરારની નૉવેલ્ટી હોટેલ પાસે કારમાં હતી ત્યારે બાઇક પર મોઢા પર કપડું બાંધીને આવેલા એક અજાણ્યા યુવકે ગોળીબાર કર્યો હતો.

ગોળી ઑફિસરની નજીકથી પસાર થઈ ગઈ હોવાનું જોયા બાદ આરોપીઓ વિરાર ફાટક તરફ પલાયન થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાની નોંધ લઈને ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીને પકડવાના પ્રયાસ હાથ ધર્યા છે. થોડા સમય પહેલાં કૉર્પોરેટ હૅકિંગના ૨૦૦ કરોડના મામલામાં ૭ જણની ધરપકડ થઈ હતી જેની આગળની તપાસ આ મહિલા પોલીસ ઑફિસર કરી રહી છે એથી આ અટૅક એની સાથે સંકળાયેલો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

પાલઘરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ગૌરવ સિંહે કહ્યું હતું કે ‘ફરિયાદી પોલીસ ઑફિસર સિધભાવ જયભાયે એક પોલીસ ઑફિસર સાથે કારમાં હતી ત્યારે ફાયરિંગ થયું હતું. કોઈને આમાં ઈજા નથી થઈ. અમે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news