ફાયર સેફ્ટી સિસ્ટમ ૨૨૩માંથી ૨૩ બિલ્ડિંગમાં કામ કરી રહી છે

19 January, 2022 08:18 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ફાયર બ્રિગેડે નવેમ્બર અને ડિસેમ્બરમાં ૨૨૩ સોસાયટીની ફાયર સેફ્ટી સિસ્ટમનું ઇન્સ્પેક્શન કર્યું અને એમાંથી ૧૩૩ સોસાયટીને મોકલી નોટિસ

વન અવિઘ્ન પાર્કની ફાઇલ તસવીર

મુંબઈમાં ગયા વર્ષના ઉત્તરાર્ધમાં આગની અનેક ઘટનાઓ બની હોવાથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે નવેમ્બર અને ડિસેમ્બર એમ બે મહિનામાં ૨૨૩ સોસાયટીઓનું ફાયર સેફ્ટીનું ઇન્સ્પેક્શન કર્યું હતું. એમાંથી માત્ર ૨૩ સોસાયટીઓમાં જ ફાયર ફાઇટિંગ સિસ્ટમ વ્યવસ્થિત રીતે કાર્યરત હોવાનું જણાઈ આવ્યું હતું. ૨૦૦ સોસાયટીઓમાં કોઈ ને કોઈ પ્રૉબ્લેમ્સ મળી આવ્યા હતા. મુખ્યત્વે એવું જોવા મળ્યું હતું કે સોસાયટીઓ દ્વારા સોસાયટીના ડેકોરેશન અને રંગરોગાન પાછળ વધુ ધ્યાન અપાતું હતું, પણ ફાયર સેફ્ટીને નિગ્લેક્ટ કરાતી હતી. એથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે એમાંની ૧૩૩ જેટલી સોસાયટીઓને નોટિસ મોકલીને એ ત્રુટિઓ સુધારી લેવા જણાવ્યું છે અને એ માટે ૧૨૦ દિવસનો સમય પણ આપ્યો છે. બાકીની સોસાયટીઓને નોટિસ નથી આપી, પણ સોસાયટીઓએ કહ્યું છે કે જે કંઈ નાની-મોટી ત્રુટિઓ છે એ સુધારી લેવાશે. 
ફાયર ઇન્સ્પેક્શનમાં કઈ જાતની ત્રુટિઓ જોવા મળી અને સોસાયટીઓ દ્વારા કેમ ફાયર ફાઇટિંગ સિસ્ટમ મેઇન્ટેઇન નથી કરવામાં આવતી એ જાણવા ‘મિડ-ડે’એ ચીફ ફાયર ઑફિસર હેમંત પરબનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘પમ્પ ચાલુ નથી હોતા, વાલ્વ જૅમ હોય છે, સ્મોક ડિટેક્ટર સ્પ્રિન્કલર્સ ચાલુ નથી હોતાં. આવી ઘણીબધી ત્રુટિઓ હોય છે. હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે અમે ત્યાં પહોંચી ત્યાંની ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ હોય તો તરત જ હોઝ પાઇપ જોડીને આગ ઓલવવાનું કામ શરૂ કરી દઈએ છીએ. જો સોસાયટીની ફાયર ફાઇટિંગ સિસ્ટમ ચાલુ ન હોય તો અમારે અમારાં ફાયર એન્જિન બની શકે એટલાં મકાનની નજીક લઈ જવા પડે છે અને એમાં ટાઇમ લાગે છે. ત્યાર બાદ લેડર ઊંચી કરવાની હોય તો એની વચ્ચે આવતી અડચણો દૂર કરવાની હોય છે. આ બધામાં ગોલ્ડન સમય વેડફાઈ જાય છે અને એથી રેસ્ક્યુ કરવામાં મોડું થાય છે તથા આગ ઓલવવામાં વાર લાગે છે. એથી કેટલીક વાર ફૅટલ ઍક્સિડન્ટ થઈ જાય છે. એથી સોસાયટીઓએ ફાયર ફાઇટિંગ સિસ્ટમ મેઇન્ટેઇન કરવી જરૂરી છે.’
સોસાયટીઓ દ્વારા કેમ ઉદાસીન વલણ અપનાવવામાં આવે છે એમ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘નિયમ પ્રમાણે દરેક સોસાયટીએ એની ફાયર સિસ્ટમ મેઇન્ટેઇન કરવી જરૂરી છે. એ માટેની ગવર્નમેન્ટ અપ્રૂવ્ડ એજન્સીઓ છે જે એ કામ કરે છે. એ એજન્સીઓ પાસે દર છ મહિને એ મેઇન્ટેઇન કરાવીને એ ઓકે છે એ માટેનું ફૉર્મ-બી લેવાનું હોય છે અને એ સબમિટ કરવાનું હોય છે. વળી આ ફાયર ફાઇટિંગ સિસ્ટમ મેઇન્ટેઇન કરવાનું થોડું ખર્ચાળ હોય છે. વળી બને છે એવું કે સોસાયટીઓ એમના ડેકોરેશન અને રંગરોગાન પર વધુ ધ્યાન આપે છે, પણ ફાયર સેફ્ટી જેવી મહત્ત્વની બાબતને નિગ્લેક્ટ કરે છે અને એના પર ખર્ચ કરાતો નથી. એથી આગ લાગે અને અમે ત્યાં પહોંચીએ ત્યાર બાદ જ જાણ થાય છે કે ફાયર સિસ્ટમ કામ કરતી નથી. આમ જ્યારે એની જરૂર હોય ત્યારે જ ખરે ટાંકણે એ ન ચાલે એટલે ઘટના ગંભીર બની જતી હોય છે.’ 
કાંદિવલીના મથુરાદાસ રોડ પર આવેલા હંસા હેરિટેજ બિલ્ડિંગમાં નવેમ્બર મહિનામાં આગ લાગી હતી અને એમાં સાસુ તથા વહુ મૃત્યુ પામ્યાં હતાં. એ કેસમાં પણ ફાયર બ્રિગેડે સોસાયટીને નોટિસ આપી છે અને ૧૨૦ દિવસમાં જે ત્રુટિઓ જણાઈ હતી એ સુધારી લેવા જણાવ્યું છે.  

mumbai mumbai news bakulesh trivedi