મનીષ માર્કેટ પાસેના બેસ્ટના સબ-સ્ટેશનમાં આગ

18 September, 2012 06:07 AM IST  | 

મનીષ માર્કેટ પાસેના બેસ્ટના સબ-સ્ટેશનમાં આગ




સાઉથ મુંબઈમાં યારા માર્કેટની પાસેના માતા રમાબાઈ આંબેડકર માર્ગ પર આવેલા બેસ્ટના એક સબ-સ્ટેશનમાં ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ બુઝાવવાની કામગીરી વખતે એક ફાયરમૅનને ઈજા થઈ હતી. આગને કાબૂમાં લેતાં ફાયર-બ્રિગેડને બે કલાક લાગ્યા હતા. બેસ્ટના અધિકારીઓએ ગેરકાયદે રીતે ભાડે આપેલી જગ્યામાં કેટલાક દુકાનદારો પોતાનું કામકાજ કરતા હતા એવો આરોપ ફાયર-ઑફિસરો તેમ જ અન્ય દુકાનદારોએ લગાવ્યો હતો. બેસ્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમનો સ્ટ્રીટ-લાઇટ ડિપાર્ટમેન્ટ આ જગ્યાનો ભૂતકાળમાં ઉપયોગ કરતો હતો જે અત્યારે ઘણા સમયથી ખાલી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ આગ જ્યાં લાગી હતી એની પાસે જ મનીષ માર્કેટ આવેલી છે અને ગયા વર્ષે ૨૬ નવેમ્બરે એમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગયા જુલાઈ મહિનામાં જ મનીષ માર્કેટ ફરી ધમધમતી થઈ હતી.

હોલસેલ ડીલરોને લીધે મનીષ માર્કેટ આખું વર્ષ ધમધમતી હોય છે. જોકે ગણેશોત્સવને લીધે ભારે ભીડ હોવાથી ફાયર-બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં વાર લાગી હતી. વળી ફાયર-બ્રિગેડના જવાનોની કાર્યવાહી જોવા માટે ભેગા થયેલા લોકોને કાબૂમાં લેવા માટે પણ પોલીસે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. બેસ્ટના સબ-સ્ટેશનના ઉપરના માળે લાગેલી આગને ઓલવવા માટે ૧૫ ફાયર-એન્જિન તથા ૧૦ વૉટર-ટૅન્કરોને ઘટનાસ્થળે મોકલાવવામાં આવ્યાં હતાં.

ડેપ્યુટી ચીફ ઑફિસર પી. એસ. રહાંદળેએ કહ્યું હતું કે ‘આગના કારણની અમે તપાસ કરી રહ્યા છીએ. આગને લીધે સબ-સ્ટેશનના ટ્રાન્સફૉર્મરને કોઈ નુકસાન નથી થયું. સબ-સ્ટેશનના ઉપરના માળે આગ લાગી હતી.

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ