વિલે પાર્લેમાં ઑફિસમાં લાગેલી આગે ગુજરાતીના ફ્લૅટને પણ ચપેટમાં લીધો

11 January, 2022 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાયર-કન્ટ્રોલના જણાવ્યા અનુસાર પાંચ ફાયર-એન્જિન અને ૪ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં

આગની તારાજી બાદ ઘરવખરી ભેગી કરી રહેલો ગુજરાતી પરિવાર

વિલે પાર્લે-ઈસ્ટમાં સ્ટેશનની સામે જ આવેલી માર્કેટના મોંઘીબાઈ રોડ પર આવેલા સાગર કૉમ્પ્લેક્સમાં આવેલી ઑનલાઇન માર્કેટિંગની ઑફિસમાં ગઈ કાલે સવારે ૯ વાગ્યે આગ ફાટી નીકળી હતી. તરત જ સોસાયટીની ઇલેક્ટ્રિક સપ્લાય સિસ્ટમ બંધ કરી દેવાઈ હતી અને ફાયર-બ્રિગેડ તથા વિલે પાર્લે પોલીસને જાણ કરાઈ હતી. 
થોડી જ વારમાં વિલે પાર્લે પોલીસ અને ફાયર-બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ હતી. માર્કેટ વિસ્તાર હોવાને કારણે કેટલાક ફેરિયાઓએ ઑલરેડી ધંધો લગાવી દીધો હતો. જોકે જેવી આગની જાણ થઈ કે તરત જ તેમણે પણ પોતાનો પથારો સંકેલી લીધો હતો અને ફાયર-બ્રિગેડ માટે જગ્યા ખાલી કરી આપી હતી.
ફાયર-કન્ટ્રોલના જણાવ્યા અનુસાર પાંચ ફાયર-એન્જિન અને ૪ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. 
જોકે આગની જ્વાળાઓની ચપેટમાં લક્ષ્મીલાલ જૈનની ઑનલાઇન માર્કેટિંગની ઑફિસ તો આવી જ હતી, પણ આગ ફેલાતાં બાજુનો ગાળો અને ઉપરના માળે રહેતા ગુજરાતી પરિવારનો ફ્લૅટ પણ એની ચપેટમાં આવી ગયો હતો અને તેમના ફ્લૅટને પણ નુકસાન થયું હતું. આગને કારણે થોડું અને ફાયર બ્રિગેડના પાણીના મારાને કારણે પણ થોડું ઘણું નુકસાન થયું હતું. સદ્ભાગ્યે આગમાં કોઈ જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી, પણ ઑફિસનો અને ઘરનો મળી લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સવારે ૧૦.૩૫ વાગ્યે આગ પર કાબૂ મેળવી ફાયર-બ્રિગેડે ઑપરેશન આટોપી લીધું હતું.   

mumbai mumbai news vile parle