દશેરાએ હોળી

25 October, 2012 03:01 AM IST  | 

દશેરાએ હોળી



રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૨૫

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરના ત્રિકાલ-૩૧૦ બિલ્ડિંગમાં ગઈ કાલે દશેરાના દિવસે બપોરે ૧.૪૦ વાગ્યે ઇલેક્ટ્રિક કૅબિનમાં શૉર્ટ-સર્કિટ થતાં લાગેલી આગને લીધે ત્યાંના રહેવાસીઓએ જ્યાં સુધી રિલાયન્સ એનર્જી વીજળીની લાઇન આપે નહીં ત્યાં સુધી ઘરની બહાર રહેવાના સંજોગો ઊભા થયા છે. ઇલેક્ટ્રિક કૅબિનમાં વગર દિવાળીએ ધૂમધડાકા થતાં તરત જ રહેવાસીઓએ પોલીસ માટે ૧૦૦ નંબર અને ફાયર-બ્રિગેડ માટે ૧૦૧ નંબર તેમ જ ઇલેક્ટ્રિકનો પાવર સપ્લાય કરતી રિલાયન્સ એનર્જીના ત્રણે વિભાગોમાં ૨૫થી ૩૦ ફોન કરવા છતાં એના ફોન નો રિસ્પૉન્સ મળતા હતા. આ કમનસીબ ઘટનામાં બિલ્ડિંગના પાંચમા માળે રહેતાં ૫૧ વર્ષનાં દક્ષા સોમૈયાને માથા પર અને પગમાં છત પડવાથી ઈજા થઈ હતી અને પહેલે માળે રહેતાં ૫૦ વર્ષના મિસિસ ઐયરને આગના ધુમાડાને લીધે ગૂંગળામણ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. એ સિવાય બીજી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

ગઈ કાલે બપોર ટસકોન બિલ્ડિંગ (જૂનું નામ ત્રિકાલ-૩૧૦)ની દાદરાની નીચે આવેલી ઇલેક્ટ્રિક કૅબિનમાં અચાનક ધડાકા થવા લાગ્યા હતા. બિલ્ડિંગના ૨૮ ફ્લૅટના ૧૬૦થી વધુ રહેવાસીઓ હજી કંઈ વિચારે એ પહેલાં આગ ફાટી નીકળતાં બિલ્ડિંગના મેઇન ગેટ સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ધડાકાની શરૂઆત થતાં જ બિલ્ડિંગના રહેવાસીઓએ ફાયર-બ્રિગેડની મદદ માટે ૧૦૧ નંબર પર ફોન કરવા છતાં ફક્ત ઘંટડી જ વાગતી હતી. ૨૫થી ૩૦ વાર ફોન કર્યા પછી રહેવાસીઓએ પોલીસના કન્ટ્રોલ-રૂમની મદદ લેવા માટે ૧૦૦ નંબર પર ફોન કર્યા હતા. એ નંબર પરથી પણ નો રિસ્પૉન્સ મળતાં આખરી મદદ લેવા માટે રિલાયન્સ એનર્જીના નંબર પર ફોન કર્યા હતા, જ્યાં કૉલ-સેન્ટરમાંથી ટેપ વાગતી હતી. એનાથી કંટાળીને રહેવાસીઓ અને આજુબાજુનાં બિલ્ડિંગવાળાઓએ ફરીથી પોલીસ અને ફાયર-બ્રિગેડને ફોન કર્યા હતા. ફોન લાગ્યા પછી ફાયર-બ્રિગેડને બપોરે ખુલ્લા રસ્તા પરથી ઘટનાસ્થળે પહોંચતાં ૪૫ મિનિટ લાગી હતી.

ફાયર-બ્રિગેડ આવે ત્યાં સુધીમાં પહેલા અને બીજા માળના અનેક રહેવાસીઓ ધુમાડાને લીધે ગૂંગળામણથી બેભાન થઈ ગયા હતા. સમયની ગંભીરતા સમજીને સાત માળની ઇમારતના બધા જ રહેવાસીઓ તેમની ટેરેસ પર જતા રહ્યા હતા.

બિલ્ડિંગના એક રહેવાસી કલ્પેશ શાહે આ ઘટનાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગમાં ફાટી નીકળેલી આગને લીધે વાતાવરણ પૅનિક બની ગયું હતું. આગના ધુમાડા બીજા માળ સુધી પહોંચતાં જ અન્ય માળના રહેવાસીઓ મોઢા પર રૂમાલ અને બીજાં કપડાં ઢાંકીને બિલ્ડિંગની સાત માળ પછીની ટેરેસમાં જતા રહ્યા હતા; પણ અમને ફાયર-બ્રિગેડ, પોલીસ અને રિલાયન્સ એનર્જીની મદદ મળતાં બહુ વાર લાગી જેને લીધે બીજે માળ સુધીના અનેક રહેવાસીઓ ગૂંગળામણથી બેભાન જેવા થઈ ગયા હતા. અમુક રહેવાસીઓ હિંમત કરીને બીજા રહેવાસીઓને ટેરેસમાં લઈ ગયા હતા. અમે નસીબદાર હતા કે અમારા બિલ્ડિંગનાં ૫૧ વર્ષનાં દક્ષા સોમૈયા અને ૫૦ વર્ષનાં મિસિસ ઐયર સિવાય અન્ય કોઈને કંઈ થયું નહોતું. દક્ષા સોમૈયાને તેમના ઘરની છત પડવાથી માથામાં સાત ટાંકા આવ્યા હતા અને પગમાં માર લાગ્યો હતો, જ્યારે મિસિસ ઐયર ધુમાડાથી ગૂંગળાઈને બેભાન થઈ જવાથી તેમને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યાં હતાં. બીજા માળનું એક કુટુંબ એના ફ્લૅટમાં ફસાઈ જવાથી તેને બાજુના બિલ્ડિંગમાંથી સીડી લાવીને એની મારફત ઉતારવું પડ્યું હતું. બાકી આ આગની ઘટનાને લીધે લાઇટ જતી રહેવાથી દશેરા જેવા દિવસે ૨૮ ફ્લૅટના રહેવાસીઓએ પોતાના ફ્લૅટ છોડીને સગાં-સંબંધીઓને ત્યાં રહેવા જતા રહેવા પડ્યું છે. ફાયર-બ્રિગેડના અધિકારીઓએ અમને કહ્યું હતું કે જ્યાં સુધી અમારો ઇન્ક્વાયરી રિપોર્ટ નહીં બને ત્યાં સુધી અમને રિલાયન્સ એનર્જી લાઇટ નહીં આપી શકે.’

સ્થાનિક રહેવાસીઓએ આ આગ માટેનું કારણ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગનું મુખ્ય કારણ અમારા બિલ્ડિંગમાં અનધિકૃત રીતે કમર્શિયલ ઑફિસોએ લીધેલાં ઇલેક્ટ્રિક-કનેક્શન છે. આ કારણે લોડ વધી જવાથી ઇલેક્ટ્રિક કૅબિનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડ અને પંતનગર પોલીસ-સ્ટેશન આ બાબતની વધુ તપાસ કરી રહ્યાં છે.’