ભરબપોરે પાંચ વાહનોને લાગેલી આગથી વિરારવાસીઓ ભયભીત

14 December, 2012 05:53 AM IST  | 

ભરબપોરે પાંચ વાહનોને લાગેલી આગથી વિરારવાસીઓ ભયભીત



વિરારના (વેસ્ટ)માં આવેલા વિરાટનગરના રહેવાસીઓમાં ભારે ચિંતાનું અને ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે; કારણ કે એક માણસે આ પરિસરમાં ઊભેલી બે કાર, બે બાઇક, ટેમ્પો અને ઝાડને સળગાવી નાખ્યાં હતાં. આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં પૅટ્રોલિંગ પણ વધારી દીધું છે.

વિરાટનગરમાં ગઈ કાલે બપોરે સવાબે વાગ્યાની આસપાસ અચાનક જ જોરદાર ધડાકાનો અવાજ સંભળાતાં રહેવાસીઓ દોડીને નીચે આવ્યા હતા. તેમણે જોયું તો ત્યાં ઊભેલી બે કાર આગની લપેટમાં ખાખ થઈ રહી હતી. રહેવાસીઓનું બીજી તરફ ધ્યાન ગયું તો બે બાઇક અને ટેમ્પો પણ આગની લપેટમાં ખાખ થઈ રહ્યાં હતાં. આમ પરિસરની એકસાથે ૮ જગ્યાએ આગ લાગતાં એ દૃશ્યને જોઈને પરિસરના રહેવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમણે વધુ તપાસ કરી તો પરિસરના ઝાડ પર પણ આગ લાગી હતી એટલે રહેવાસીઓએ ફાયર-બ્રિગેડનો સંપર્ક ક્ર્યો હતો. રહેવાસીઓએ પરિસરમાં ફરી રહેલા ૪૦ વર્ષના એક શંકાસ્પદ માણસને પકડ્યો હતો અને તેને વિરાર પોલીસ-સ્ટેશનમાં સોંપ્યો હતો. જોકે તેની પૂછપરછ કરીને પોલીસને તેને છોડી મૂક્યો હતો.

વિરાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરે ચંદ્રકાંત જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે અમને ફરિયાદ મળી હતી. અમે એ વિશે તપાસ કરી રહ્યા છીએ તેમ જ પરિસરમાં પૅટ્રોલિંગ પણ વધારવાના છીએ.’