કફ પરેડના જૉલી મેકર ચેમ્બર્સમાં આગ ૨૮ જણને આબાદ ઉગારી લેવામાં આવ્યા

03 December, 2012 06:15 AM IST  | 

કફ પરેડના જૉલી મેકર ચેમ્બર્સમાં આગ ૨૮ જણને આબાદ ઉગારી લેવામાં આવ્યા




કફ પરેડ પોલીસે કહ્યું હતું કે ‘કફ પરેડમાં આવેલા ૨૬ માળના જૉલી મેકર ચેમ્બર્સ-એકમાં ગઈ કાલે વહેલી સવારે ૧૯મા માળે ૩.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ૯ ફાયર-એન્જિન, ૬ વૉટર-ટૅન્કર અને બે ઍમ્બ્યુલન્સ સાથે ફાયરબ્રિગેડ આવી પહોંચી હતી અને આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. એ દરમ્યાન બિલ્ડિંગમાં ઉપરના માળે ફસાયેલા ૨૮ લોકોને ફાયરબ્રિગેડે ઉગારી લીધા હતા. લગભગ પાંચેક કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી હતી.

ગઈ કાલે જૉલી મેકર ચેમ્બર્સમાં લાગેલી આગ બાદ મુંબઈ મહાનગરપાલિકાનું ફાયર-ડિપાર્ટમેન્ટ આ બિલ્ડિંગને એક નોટિસ મોકલશે એવું જાણવા મળ્યું છે, કારણ કે છેલ્લા દોઢ વર્ષથી બિલ્ડિંગમાં ફાયર ઑડિટ કરવામાં નહોતું આવ્યું. ઊંચાં બિલ્ડિંગોમાં દર છ મહિને ફાયર ઑડિટ કરાવવું ફરજિયાત હોય છે ત્યારે જૉલી મેકર એમાં નિષ્ફળ ગયું હતું. એટલું જ નહીં, ઊંચાં બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી રિસોર્સિસ રાખવા ફરજિયાત છે જેથી આગ લાગે ત્યારે તરત એ મદદરૂપ બની શકે, પરંતુ જૉલી મેકરમાં રહેલા ફાયર સેફટી રિસોર્સિસ બરોબર કામ ન કરતા હોવાનો દાવો ફાયરબ્રિગેડે કર્યો હતો.


હેમખેમ ઊગરી ગયા : કફ પરેડમાં આવેલા જૉલી મેકર ચેમ્બર્સ-એકના ૨૬મા માળે ગઈ કાલે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. 
ફસાયેલા લોકોને ઉગારી રહેલી ફાયરબ્રિગેડ. તસવીર : દિપક સાલવી.