ટ્રાન્સફૉર્મરમાંથી ઑઇલ લીકેજ થવાથી લોકલ ટ્રેનમાં લાગી આગ

05 December, 2012 06:13 AM IST  | 

ટ્રાન્સફૉર્મરમાંથી ઑઇલ લીકેજ થવાથી લોકલ ટ્રેનમાં લાગી આગ




ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે અંધેરીથી સીએસટી જતી લોકલ ટ્રેનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ ટ્રેન જ્યારે હાર્બર લાઇનના ડૉક્યાર્ડ રોડ સ્ટેશન પહોંચી હતી ત્યારે એકાએક ફાટી નીકળેલી આગમાં અગિયાર વ્યક્તિઓને દાઝી જવાના કારણે ભારે ઈજા પહોંચી છે. આમાંથી દસ વ્યક્તિઓને જે. જે. હૉસ્પિટલમાં, જ્યારે એક વ્યક્તિને સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ખસેડવામાં આવી હતી. આ દરદીઓમાંથી ચાર - ૧૯ વર્ષના સમદ શેખ, ૨૧ વર્ષના સંદીપ પાટીલ, ૨૦ વર્ષના સ્વપ્નિલ કેલુસ્કર તેમ જ ૨૬ વર્ષના કુદ્દોસ હુસેન સિવાયના દરદીઓને ઓપીડી ડિપાર્ટમેન્ટમાં જ સારવાર આપીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ ચાર દરદીઓ બહુ ખરાબ રીતે દાઝ્યા હોવાના કારણે તેમને જે. જે. હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે જ્યારે ભોગ બનેલી વ્યક્તિઓ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કમ્પાર્ટમેન્ટના નીચેના હિસ્સામાંથી એકાએક આગ ફાટી નીકળી હતી. રેલવેના અધિકારીઓના રિપોર્ટમાંથી મળેલી માહિતીના આધારે ખબર પડી છે કે ટ્રેનના બીજા કોચના આવેલા ટ્રાન્સફૉર્મરમાં ખામી સર્જાવાના કારણે આ દુર્ઘટના બની છે. આ ખામીને કારણે ટ્રાન્સફૉર્મરનું ઑઇલ લીક થયું હતું, જેના કારણે પ્રવાસીઓ આગનો ભોગ બન્યા હતા.

જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરોએ માહિતી આપી છે કે વડાલાના સમદ અબદુલ્લા શેખને આ ઘટનામાં સૌથી વધારે ઇજા પહોંચી છે. મસ્જિદ બંદરમાં હોલસેલ માર્કેટમાં કામ કરતા સમદના શરીરનો ૪૨ ટકા હિસ્સો દાઝી ગયો હતો. તેની ઈજા વિશે માહિતી આપતાં ડૉક્ટર કહે છે કે ‘સમદનું છાતી અને પેટ સહિતનું જમણી તરફનું આખું શરીર દાઝી ગયું છે તેમ જ તેના ચહેરા, પગ અને હાથને પણ ઈજા પહોંચી છે.’

પોતાની સાથે બનેલી આ ઘટના વિશે વાત કરતાં સમદ કહે છે કે ‘હું ડબ્બાના જમણી તરફના ફૂટર્બોડ પર ઊભો હતો ત્યાં એકાએક ટ્રેનની નીચેથી કાળું ઑઇલ નીકળવાનું શરૂ થઈ ગયું હતું અને દરવાજા પાસે આગની જ્વાળાઓ છવાઈ ગઈ હતી. ટ્રેન બરાબર ડૉક્યાર્ડ રોડ સ્ટેશન પહોંચી હતી ત્યારે જ આ ઘટના બની હતી.’

આ ઘટના વિશે માહિતી આપતાં સિનિયર રેલવે-ઑથોરિટીએ માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં નજીવી ઈજા પામેલા પ્રવાસીઓને પાંચ હજાર રૂપિયાનું અને ગંભીર ઈજા પામેલા પ્રવાસીઓને પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

લેટેસ્ટ ટેક્નૉલૉજી બની દુર્ઘટનાનું મુખ્ય કારણ?

ટ્રેનની ઝડપ વધારવા માટે ૧૫૦૦ વૉલ્ટના ડાયરેક્ટ કરન્ટમાંથી ૨૫,૦૦૦ વૉલ્ટના ઑલ્ટરનેટિવ કરન્ટમાં થતા પાવર અપગ્રેડેશનની લેટેસ્ટ ટેક્નૉલૉજીને કારણે પ્રવાસનો સમય તો ઘટે છે, પણ એના બીજા પણ અનેક ગેરફાયદા છે જે ગઈ કાલે બનેલી ટ્રેનની દુર્ઘટનામાં જોવા મળ્યા છે. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે અંધેરીથી સીએસટી જતી લોકલ ટ્રેનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ ટ્રેન જ્યારે હાર્બર લાઇનના ડૉક્યાર્ડ રોડ સ્ટેશને પહોંચી હતી ત્યારે એકાએક ફાટી નીકળેલી આગમાં ૧૧ વ્યક્તિઓને દાઝી જવાના કારણે ઈજા પહોંચી છે. રેલવે-અધિકારીઓને લાગે છે કે ડાયરેક્ટ કરન્ટમાંથી એના કરતાં ૧૭ ગણા વધારે સ્ટ્રૉન્ગ ઑલ્ટરનેટિવ કરન્ટમાં થતા પાવર અપગ્રેડેશનની સિસ્ટમમાં ખામી ઊભી થતાં આ સમસ્યા સર્જાઈ છે. રેલવે-અધિકારીઓ આને ભાગ્યે જ બનતી દુર્ઘટના ગણાવે છે પણ રોજ ૧૦ લાખ મુસાફરોનું પરિવહન કરતી હાર્બર લાઇનમાં ફરી આવી દુર્ઘટના બને એવી પૂરેપૂરી શક્યતા છે.