મીરા-ભાઇંદરમાં જોખમી સ્થળોએ ફટાકડાના સ્ટૉલ

28 October, 2019 12:26 PM IST  |  મુંબઈ | પ્રકાશ બાંભરોલિયા

મીરા-ભાઇંદરમાં જોખમી સ્થળોએ ફટાકડાના સ્ટૉલ

ફટાકડાનો સ્ટૉલ

મીરા-ભાઈંદરમાં લોકોની સુરક્ષા માટેનો વિસ્ફોટક કાયદો અને હાઈ કોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. પાલિકાએ દિવાળીમાં ફટાકડા વેચવા માટેની પરમિશન સ્ટૉલ્સ ખુલ્લા મેદાનમાં દેવાને બદલે રહેણાક વિસ્તારમાં રસ્તા પર આપીને લોકોના જીવ જોખમમાં મૂકવાની સાથે આવી પરવાનગી આપવામાં મોટા પાયે આર્થિક વ્યવહાર કરાયાનો આરોપ પાલિકાના અધિકારીઓ પર મૂકવામાં આવ્યો છે.
ફટાકડા જોખમી હોવાથી એ વેચવા માટેના સ્ટૉલમાં અવારનવાર મોટી દુર્ઘટના બનતી હોય છે. આથી ફટાકડાના વેચાણ માટે કડક નિયમ મુંબઈ હાઈ કોર્ટે બનાવ્યા છે. ભારતીય વિસ્ફોટક કાયદા ૧૮૮૪ મુજબ નાગરિકોના જીવન અને માલમતાની સુરક્ષાની કાળજી લેવાની જવાબદારી પાલિકા અને પોલીસની છે. આમ છતાં, બધા નિયમો નેવે મૂકીને મીરા-ભાઈંદર મહાનગરપાલિકા-પ્રશાસન, ફાયરબ્રિગેડ દ્વારા રસ્તામાં, રહેણાક વિસ્તારમાં આડેધડ ફટાકડા વેચાણના સ્ટૉલ્સની પરવાનગી અપાઈ છે.
ભાઈંદર-ઈસ્ટમાં રાહુલ પાર્ક, બાળારામ પાટીલ માર્ગ, વિમલ ડેરી માર્ગ, નવઘર રોડ, ઇન્દ્રલોક રોડ વગેરે સ્થળોએ મેઇન રોડ અને રહેણાક વિસ્તારમાં ફટાકડાના સ્ટૉલ્સ લગાવાયા છે. આવી જ સ્થિતિ ભાઈંદર-વેસ્ટ, મીરા રોડ અને કાશીમીરામાં પણ છે. આથી કોઈ દુર્ઘટના ઘટે તો જાનમાલની હાનિ થવાની શક્યતા છે.
આ વિશે પાલિકાના ઍડિશનલ કમિશનર ડૉ. સુનીલ લહાનેએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે આપેલી પરવાનગી મુજબ જ આ વખતે પણ ફટાકડા વેચાણ માટેના સ્ટૉલ્સની મંજૂરી અપાઈ છે. કોઈ મંજૂરી વિના કે નિયમનો ભંગ કર્યા વિના ફટાકડા વેચશે તો તેની સામે ફાયરબ્રિગેડ અને પ્રભાગ અધિકારીને પગલાં લેવાનું કહ્યું છે. ફટાકડા વેચાણ માટેના સ્ટૉલ્સની રહેણાક વિસ્તારમાં પરવાનગી આપવા માટે પાલિકાના અધિકારીઓ સાથે મોટો આર્થિક વ્યવહાર કરાયો હોવાનો આરોપ સ્થાનિક રહેવાસી ભાવેશ પાટીલે કર્યો હતો. જેમણે પણ આવી મંજૂરી આપી છે તે અધિકારી સામે પગલાં લેવા જોઈએ.

mumbai mira road bhayander