તમારી સોસાયટી ફાયરનાં ધારાધોરણનું પાલન કરે છે કે નહીં એ ફાયર બ્રિગેડ હવે જાણી શકશે

29 January, 2022 10:30 AM IST  |  Mumbai | Prajakta Kasale

આગની ઘટનાઓ નિવારવા ફાયર બ્રિગેડ બિલ્ડિંગો માટે યુનિક આઇડીનો ઉપયોગ કરવાની તૈયારીમાં

તાજેતરમાં જ તાડદેવમાં આવેલા ૨૦ માળના કમલા બિલ્ડિંગમાં મોટી આગ ફાટી નીકળી હતી

ફાયર ઑડિટની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ હવે ઇમારતો માટે યુનિક આઇડેન્ટિફિકેશન નંબરનો ઉપયોગ કરશે, જે કૉર્પોરેશનના તમામ વિભાગ માટે એકસમાન રહેશે. એનાથી ફાયર કૉમ્પ્લાયન્સનો ડેટા સરળતાથી મેળવી શકાશે. ફાયર સેફ્ટીનાં પગલાંનું પાલન ન કરનારી ઇમારતોને ઑનલાઇન નોટિસ મોકલવામાં આવશે.
ખાસ કરીને આગની દુર્ઘટનાઓ પછી ફાયર સેફ્ટીની ખામીઓ અવારનવાર સપાટી પર આવતી રહે છે. મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી અૅક્ટ, ૨૦૦૬ મુજબ માલિકો, કબજો ધરાવનાર અથવા હાઉસિંગ સોસાયટીઓ માટે દર છ મહિને માન્યતા ધરાવતા ઑડિટર્સ પાસે ફાયર ઑડિટ કરાવવું ફરજિયાત છે. મુંબઈ ફાયર બ્રિગેડ શહેરની હાઉસિંગ સોસાયટીઓ પાસેથી ફાયર ઑડિટ મેળવે છે, પણ એની પાસે નિયમોનું પાલન ન કરનારી સોસાયટીઓનો ડેટા ન હોવાથી આવી ઇમારતો સામે કાર્યવાહી કરવી મુશ્કેલ બને છે.
મુંબઈ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઑફિસર હેમંત પરબે જણાવ્યું હતું કે ‘આ પ્રક્રિયા મૅન્યુઅલ છે. એ સમય માગી લેનારી છે અને ઘણા માનવબળની જરૂર પડે છે. રેકૉર્ડ જાળવવો પણ એક મોટું કાર્ય છે. આથી અમે ઑનલાઇન સિસ્ટમ વિકસાવવાનું નક્કી કર્યું છે, જે બે મહિનામાં તૈયાર થઈ જશે. એક વખત સિસ્ટમ ગોઠવાઈ ગયા બાદ મૅન્યુઅલ પ્રોસેસિંગની જરૂર નહીં રહે. તમામ ડેટા એક ક્લિક પર ઉપલબ્ધ થઈ જશે. બિલ્ડિંગે નિયમિત ઑડિટ સુપરત કર્યું નથી એની અમને જાણ થઈ જશે અને અમે ઈ-મેઇલ કે કૉન્ટૅક્ટ-નંબર દ્વારા એને નોટિસ મોકલી શકીશું.’

mumbai mumbai news prajakta kasale