તોડી દીવાર, નિકલી બારગર્લ્સ

28 February, 2021 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તોડી દીવાર, નિકલી બારગર્લ્સ

બારમાં છાપો મારી ભોંયરાની દીવાલ તોડીને બારગર્લ્સને બહાર કાઢી હતી

ભાઈંદર (ઈસ્ટ)માં રેલવે-સ્ટેશનની સામે અને ભીડભાડવાળા પરિસરમાં મિડલાઇફ ઑર્કેસ્ટ્રા બિયરબાર પર છાપો મારીને પોલીસે છ બારગર્લ્સ, ૧૩ ગ્રાહક અને ૮ કર્મચારીઓની ધરપકડ કરી હતી. આઘાત લાગે એવી વાત એ છે કે બારગર્લ્સને એક ભોંયરામાં રાખવામાં આવી હતી. ફાયર-બ્રિગેડની મદદથી દીવાલ તોડીને તેમને બહાર કાઢવામાં આવી હતી.

મીરા-ભાઈંદર, વસઈ-વિરારપોલીસ-કમિશનરેટ ઝોન-૧ના ડીસીપી અમિત કાળેના માર્ગદર્શન હેઠળ નવઘર પોલીસ દ્વારા આ કાર્યવાહી શુક્રવારે રાતે કરવામાં આવી હતી. પોલીસને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ફરિયાદ મળી હતી કે કોવિડ-19 અને અન્ય સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને મોડી રાત સુધી બિયરબાર ચાલુ રાખવામાં આવે છે. જોકે બારમાં ફક્ત ગીતો જ વાગતાં નહોતાં, પણ લાઉડ-સ્પીકરના ફુલ વૉલ્યુમ પર બારગર્લ્સ અશ્લીલ હરકતો પણ કરતી હતી.

બિયરબારમાં અશ્લીલતા તો થતી જ હતી, પરંતુ બારગર્લ્સને છુપાવવા માટે ગુપ્ત ભોંયરું પણ બનાવવામાં આવ્યું હતું. પોલીસે છાપો માર્યો એ દરમિયાનઆ ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું.

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ફાયર-બ્રિગેડ વિભાગના કર્મચારીઓએ ભોંયરાની દીવાલ તોડી તો ત્યાંથી છ બારગર્લ મળી આવી હતી. પોલીસે આ બધાની સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

એમબીવીવી પોલીસ કમિશનરેટ ડીસીપી ઝોન-૧ અમિત કાલેએ જણાવ્યું હતું કે ‘મોડે સુધી ચાલતા બિયરબારે કોવિડ-19ના અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા નિદેર્શોનું તેમ જ હોટેલ અને રેસ્ટોરાંએ પણ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. એમ ન કરતાં તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડી તો તેમનાં લાઇસન્સ પણ રદ કરી દેવામાં આવશે.’

mumbai mumbai news bhayander