નર્ગિસ દત્તનગર ઝૂંપડપટ્ટીમાં આગ, ૬૦થી ૭૦ ઝૂપડાં ખાખ

31 October, 2018 05:57 AM IST  | 

નર્ગિસ દત્તનગર ઝૂંપડપટ્ટીમાં આગ, ૬૦થી ૭૦ ઝૂપડાં ખાખ



બાંદરા (વેસ્ટ)માં નાગરદાસ રોડ નજીક આવેલી નર્ગિસ દત્તનગર (ગરીબનગર) ઝૂંપડપટ્ટીમાં ગઈ કાલે સવારે ભીષણ આગ લાગી હતી. ફાયર-બ્રિગેડના જવાનોની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ જણ ઈજા પામ્યા હતા. આઠથી દસ સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી આગે વિકરાળ રૂપ લીધું હતું અને એમાં ૬૦થી ૭૦ ઝૂંપડાં ખાખ થઈ ગયાં હતાં. પ્રાથમિક અહેવાલ અનુસાર સિલિન્ડર બ્લાસ્ટના પગલે આગ લાગી હતી.

બાંદરા ફાયર-સ્ટેશનની સામે આવેલી નર્ગિસ દત્તનગર ઝૂંપડપટ્ટીમાં સવારે સાડાઅગિયાર વાગ્યે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ૧૦ ફાયર-એન્જિન, ૮ વૉટર-ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રાહતકાર્ય માટે મોકલવામાં આવ્યાં હતાં. ઝૂંપડપટ્ટીમાં ચોથા લેવલની આગ લાગી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ત્રણ કલાકથી વધુ સતત જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અહીંની મોટા ભાગની ઝૂંપડપટ્ટી લાકડાં અને બામ્બુની બનેલી છે એટલે આગ વાયુવેગે ફેલાઈ ગઈ હતી. વિકરાળ આગને પગલે આ વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાયો હતો. આ ઝૂંપડપટ્ટીની નજીક ફર્નિચરની દુકાન, લકી હોટેલ અને મસ્જિદ આવેલી છે એટલે આગ ફેલાય નહીં એની ખૂબ તકેદારી રાખવામાં આવી હતી.


આ પણ વાંચોઃ સરકારી ઑફિસમાં ફટાકડા ફોડનારાઓ સામે ગુનો નોંધો


આ ઝૂંપડપટ્ટીમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે અને ત્યાં અનેક નાના ઉદ્યોગો ચાલી રહ્યા છે. આગની ઘટનામાં ૬૦થી ૭૦ ઝૂંપડાં આગમાં ખાખ થયાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બેથી ત્રણ વર્ષ પહેલાં પણ અહીં આગ લાગી હતી ત્યારે ઘટનાસ્થળ સુધી પહોંચવા માટે ફાયર-બ્રિગેડને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો તથા ખૂબ જ સાંકડી ગલીઓ અને સાંકડી જગ્યામાંથી નીકળીને ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક લોકોએ પાણીની બાલદીઓ વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમ્યાન ગેરકાયદે બાંધકામને ટેકો આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવું મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે જણાવ્યું હતું. આગ લાગી હતી કે લગાવવામાં આવી હતી એની તપાસ કરવામાં આવશે. સ્થાનિક વિધાનસભ્ય અને ગ્થ્ભ્ના ચીફ આશિષ શેલારે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.