અમને જાણે ફટાકડા ફૂટતા હોય એવો અવાજ આવ્યો

17 April, 2024 08:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડની ગિરનાર ગૅલૅક્સી સોસાયટીમાં આગ લાગી ત્યારે રહેવાસીઓને પહેલાં તો ખ્યાલ જ ન આવ્યો

પ્રતીકાત્મક તસવીર

મલાડમાં માર્વે રોડ પર ઑર્લેમની સુંદર લેનમાં આવેલી સાત માળની ​ગિરનાર ગૅલૅક્સી સોસાયટીમાં ગઈ કાલે સવારે ૯.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. નસીબજોગે આગમાં કોઈ જાનહા​નિ થઈ નહોતી પણ કેટલાક લોકો દાઝી ગયા હતા, જ્યારે અન્ય લોકોના શ્વાસમાં ધુમાડો જવાથી તેમણે સારવાર લેવી પડી હતી. કુલ ૧૧ જણને પહેલાં કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઇલેક્ટ્રિક મીટરરૂમમાં શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી એમ જણાવીને એ જ મકાનમાં રહેતી એક મહિલા રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો અમને જાણે ફટાકડા ફૂટતા હોય એવો અવાજ આવ્યો હતો. જોકે તપાસ કરતાં ખબર પડી કે આગ લાગી છે. ​ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગી હોવાથી બહાર નીકળી શકાય એમ નહોતું. એથી મોટા ભાગના રહેવાસીઓ પોતાની રૂમમાં ભરાઈ રહ્યા હતા. ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરએન્જિન આવી ગયાં હતાં અને એમણે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. એ પછી ફાયરબ્રિગેડના જવાનોએ ઘરે-ઘરે આવી દરવાજો ખખડાવીને કહ્યું કે ટેરેસ પર ચાલ્યા જાઓ. કેટલાક લોકો આગની જ્વાળાને કારણે દાઝી ગયા હતા. આગને કારણે બહુ જ ધુમાડો થયો હતો અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ઘણા લોકો ટેરેસ પર ચાલ્યા ગયા હતા, જ્યારે કેટલાક સિનિયર સિટિઝનો ઘરમાં જ રહ્યા હતા. આગ ઓલવ્યા બાદ અમને ફાયરબ્રિગેડના જવાનો બહાર લઈ ગયા હતા.’

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે ‘આ આગમાં દાઝી ગયેલી બે વ્યક્તિને ઐરોલી બર્ન હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ જણને શતાબ્દી હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.બીજા ૬ જણને માત્ર શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે સારવાર આપ્યા બાદ સારું જણાતાં રજા આપવામાંઆવી હતી.’

mumbai news fire incident malad