13 November, 2025 11:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.
કુર્લામાં લાલ બહાદુર શાસ્ત્રી રોડ પર શીતલ તળાવ નજીક આવેલી સનલાઇટ હોટેલમાં ગઈ કાલે બપોરે આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મુંબઈ ફાયર-બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળના હોટેલના બિલ્ડિંગમાં બપોરે ૩.૩૯ વાગ્યે આગ લાગતાં ચાર ફાયર-એન્જિનની મદદથી દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી એમ BMCના અધિકારીએ જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આગ હોટેલના રસોડામાં લાગી હોવાનું જણાયું હતું. રસોડામાં જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી પ્રસરી હતી તેમ જ હોટેલનું ફર્નિચર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.