મિલિટરી કૅન્ટીનના ગોડાઉનમાં આગ લાગતાં હાર્બર લાઇનની ટ્રેન-સર્વિસ ૧૫ મિનિટ બંધ રહી

27 October, 2014 05:43 AM IST  | 

મિલિટરી કૅન્ટીનના ગોડાઉનમાં આગ લાગતાં હાર્બર લાઇનની ટ્રેન-સર્વિસ ૧૫ મિનિટ બંધ રહી




શનિવારે રાત્રે ૧૦.૪૩ વાગ્યે દક્ષિણ મુંબઈમાં ડૉકયાર્ડ રોડ સ્ટેશન નજીક આવેલી મિલિટરી કૅન્ટીનના ગોડાઉનમાં રસ્તે પડેલો ફટાકડો અચાનક ફૂટતાં આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં દારૂની બૉટલો અને પ્લાસ્ટિકનો બીજો સમાન પડ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. અગ્નિશમન દળના કર્મચારીઓએ મિલિટરી સ્ટાફ અને નૅશનલ સર્વિસ સ્કીમના ૧૫ વૉલન્ટિયર્સ સાથે મળીને ત્રણ કલાકની ભારે જહેમત પછી આગ ઓલવી હતી.

પ્લાસ્ટિક અને આલ્કોહોલથી ભરેલા ગોડાઉનમાં આગ લાગી ત્યારે કૅન્ટીન બંધ હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આ ઘટના બાબતે મિલિટરી સ્ટાફે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે ‘શનિવાર હોવાથી ગોડાઉન જલદી બંધ કરવામાં આવ્યું હતું. ગોડાઉનમાં માલસામાન ભરવાનું અને ખાલી કરવાનું કાર્ય નિયમિત ચાલતું હોય છે. આગનું ચોક્કસ કારણ જાણવા અને આગને કારણે કેટલું નુકસાન થયું એની તપાસ કરવા અમે હાયર ઑથોરિટીઝને બોલાવી છે.’

બે સિક્યૉરિટી ગાર્ડ્સે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોઈને ફાયર કન્ટ્રોલ-રૂમ અને અન્ય મિલિટરી સ્ટાફને જાણ કરી હતી. ખબર મળતાં ૨૦ મિનિટમાં ભાયખલા અને વાડીબંદર ફાયર-સ્ટેશનથી છ વૉટર-ટૅન્કર અને ૧૨ ફાયર-એન્જિન સાથે અગ્નિશમન દળના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા.

આગની લપેટમાં આખું ગોડાઉન આવી ગયું હોવાથી લાકડાનું પાર્ટિશન હતું એવા બીજા ગોડાઉનને પણ આગે પોતાની લપેટમાં લઈ લીધું હતું. ઘટનાસ્થળે હાજર મિલિટરીના સ્ટાફે માહિતી આપી હતી કે છમાંથી બે ગોડાઉનને આ આગમાં ખૂબ જ નુકસાન થયું હતું અને એમાં રાખેલો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. આમાંથી એક ગોડાઉનમાં રાખવામાં આવેલા મિલિટરી યુનિફૉમ્ર્સ, શૂઝ, બૅગ્સ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ગોડાઉનમાં લાગેલી આગ રાત્રે બે વાગ્યે કાબૂમાં આવી હતી અને વહેલી સવારે ચાર વાગ્યે આગ સંપૂર્ણપણે ઓલવવામાં આવી હતી.

આગને કારણે હાર્બર લાઇનમાં ટ્રેન-સર્વિસ પર અસર પડી હતી. ગોડાઉન રેલવે-ટ્રૅકની પાસે હોવાથી હાર્બરની ટ્રેન-સર્વિસને થોડા સમય પૂરતી બંધ કરવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ. કે. સિંહે આ વિશે કહ્યું હતું કે ‘આગની જ્વાળાઓ રેલવેલાઇનની ખૂબજ નજીક હોવાથી સલામતીનાં પગલાંરૂપે અપ અને ડાઉન લાઇન્સ પર રાત્રે ૧૧.૦૩ વાગ્યાથી ૧૧.૧૮ વાગ્યા સુધી બધી ટ્રેન-સર્વિસ બંધ કરવામાં આવી હતી.’