મુંબઈ: જીએસટી ભવનમાં ભયાનક આગ, કોઈ જાનહાનિ નહીં

18 February, 2020 11:30 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: જીએસટી ભવનમાં ભયાનક આગ, કોઈ જાનહાનિ નહીં

માઝગાવમાં આવેલા જીએસટી બિલ્ડિંગમાં સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે લાગેલી આગ. નસીબજોગે આગમાં કોઈને ઈજા થઈ નહોતી. તસવીર : આશિષ રાજે

મંત્રાલયમાં આગની ઘટના પછી પણ રાજ્ય સરકારે કોઈ બોધપાઠ લીધો હોય એમ જણાતું નથી. માઝગાવના જીએસટી ભવનમાં લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નહોતી. આગ તરત નવમા અને દસમા માળે ફેલાઈ હતી. આ આગમાં હજારો ફાઇલો બળીને ખાખ થઈ ગઈ હતી. કથિત ગેરકાયદે ટોચનો માળ, ચાલી રહેલી રિપેરિંગની કામગીરી અને આંશિક રીતે કાર્યરત ફાયર ફાઇટિંગ સિસ્ટમે સરકારની પોતાની જ કચેરીઓમાં ફાયર સેફ્ટી સામે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. સ્ટ્રક્ચરલ ઑડિટ ઉપરાંત આ કિસ્સામાં ફૉરેન્સિક ઑડિટ પણ થઈ શકે છે.

સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે જીએસટી ભવનમાં આગ લાગી ત્યારે આશરે ૩૫૦૦ કર્મચારીઓ બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બપોરે ૧૨.૪૫ વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમ્યાન ફાયર ફાઇટિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી. બિલ્ડિંગની અંદર ચાર સીડી અને ચાર જેટ કામ કરી રહ્યાં હતાં. મીડિયા સાથે વાત કરતી વખતે અજિત પવારે જણાવ્યું હતું કે રેકૉર્ડ્સ કમ્પ્યુટરાઇઝ્ડ છે, પરંતુ ઘણી ફાઇલો બળી ગઈ હતી. અમે તપાસ કરીશું અને એ મુજબ કામગીરી હાથ ધરીશું. તેમણે આ ઘટના વિશે તપાસનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : ફેક કૉલ સેન્ટર: થાણે પોલીસ સાવ શુષ્ક, સોલાપુર પોલીસ સક્રિય

કેટલાક કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ધાબાના અડધા ભાગમાં બાંધવામાં આવેલો દસમો માળ કદાચ ગેરકાયદે હોઈ શકે છે. બીએમસીના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે અમારું પ્રથમ ધ્યેય આગને કાબૂમાં લેવાનું હતું. હવે તપાસ હાથ ધરવામાં આવશે.

લાકડાના બાંધકામને લીધે આગ ફેલાઈ?

લાકડાના બાંધકામને કારણે આગ વધુ ફેલાઈ હતી અને આ વિશે જ્યારે ફાયર-ઑડિટ કરવામાં આવ્યું ત્યારે બિલ્ડિંગમાં લાકડાનું બાંધકામ જોખમ ઊભું કરી શકે છે એનો અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. આ વિશે ચીફ ફાયર-અધિકારી પ્રભાત રહાંગળેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘અમારી પ્રાથમિકતા હતી આગ બુઝાવવાની અને લોકોને સહીસલામત બહાર કાઢવાની. એ કામ અમે બખૂબી પાર પાડ્યું હતું. હવે આગ લાગવાના કારણથી લઈને ફાયર-સ્ટ્રક્ચરલ ઑડિટ શું કહે છે એ તપાસનો વિષય છે અને એ વાત અમે તપાસ પૂરી કર્યા પછી જ કહી શકીશું.’

તો આગ હજી વધુ ફેલાઈ હોત : ફાયરબ્રિગેડ

માઝગાવ વિસ્તારમાં આવેલી સેલ્સ ટૅક્સ ઑફિસમાં ગઈ કાલે બપોરે ૧૨.૪૫ વાગ્યે આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અલર્ટ થઈ ગયું હતું. ૯મા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આગ બૂઝવવા માટે ફાયરબ્રિગેડના વૉટર-ટૅન્કર અને ફાયર-એન્જિનને પૂરતી જગ્યા મળી હોવાથી આગ પર જલદી કાબૂ મેળવી શકાયો હતો. આ ઉપરાંત સેલ્સ ટૅક્સ ઑફિસના અન્ડરગ્રાઉન્ડ વિસ્તારમાં પાણીની મોટી ટાંકી હોવાને કારણે આગ પર જલદીથી કાબૂ મેળવી શકાયો હતો. શહેરમાં સાંકડા રસ્તાઓને કારણે અનેક વાર આગ બૂઝવવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી થતી હોય છે, પણ અહીંના રસ્તા પહોળા અને સેલ્સ ટૅક્સની ઑફિસમાં પાણીની ટાંકી તેમ જ ફાયર-સિસ્ટમ વર્કિંગ હોવાને કારણે આગ વધુ ફેલાતી અટકાવાઈ હતી એવું ફાયરબ્રિગેડના ચીફ ઑફિસર પ્રભાત રહાંગળેએ જણાવ્યું હતું.

mumbai south mumbai mazgaon mumbai news prajakta kasale