છેલ્લાં ચાર વર્ષમાં મુંબઈના એક પણ બિલ્ડિંગનું ફાયર ઑડિટ નથી થયું

12 December, 2012 06:17 AM IST  | 

છેલ્લાં ચાર વર્ષમાં મુંબઈના એક પણ બિલ્ડિંગનું ફાયર ઑડિટ નથી થયું



મુંબઈનાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા લોકોની સલામતી ભગવાનના ભરોસે હોવાનું કહેવું ખોટું નહીં કહેવાય, કારણ કે મુંબઈમાં દરેક બિલ્ડિંગ માટે ફાયર-ઑડિટ કરીને એનો રિપોર્ટ ફાયર-બ્રિગેડને સબમિટ કરવો કાયદાની દૃષ્ટિએ ફરજિયાત હોવા છતાં છેલ્લાં ચાર વર્ષમાં એક પણ બિલ્ડિંગમાં ફાયર-ઑડિટ થયું નહીં હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.

મુંબઈમાં દિવસે ને દિવસે હાઇરાઇઝ બિલ્ડિંગોનું પ્રમાણ વધી રહ્યું છે એની સામે બિલ્ડિંગોમાં પૂરતી ફાયર સિક્યૉરિટી સિસ્ટમ ન હોવાને લીધે આવાં બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે જાનમાલનું નુકસાન વધી જતું હોવાનું જણાવતાં ફાયર-બ્રિગેડના પ્રમુખ સુહાસ જોશીએ ગઈ કાલે સુધરાઈના હેડક્વૉર્ટરમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક કાયદા ૨૦૦૬ મુજબ દરેક બિલ્ડિંગમાં ફાયર પ્રિવેન્શન ઇક્વિપમેન્ટ્સ રાખવું તેમ જ દરેક બિલ્ડિંગ માટે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં ફાયર-ઑડિટ કરવું ફરજિયાત છે; પણ મુંબઈનાં મોટા ભાગનાં બિલ્ડિંગો, એમાં પણ ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડિંગો આ નિયમને ઘોળીને પી ગયાં છે.’

કાયદાનું પાલન ન કરનારાં બિલ્ડિંગો સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે એવું જણાવતાં સુહાસ જોશીએ કહ્યું હતું કે ‘જે બિલ્ડિંગો મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક કાયદા ૨૦૦૬નું પાલન ન કરતાં હોય એમની સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની જોગવાઈ છે છતાં અત્યાર સુધી એક પણ બિલ્ડિંગે નિયમિત રીતે ફાયર-ઑડિટ કરીને એનો અહેવાલ ફાયર-બ્રિગેડને સબમિટ કર્યો નથી.’

અત્યાર સુધીમાં અનેક બિલ્ડિંગો સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘તાડદેવમાં તુલસીવાડીમાં આવેલા ઠક્કર ટાવર, અંધેરી (વેસ્ટ)માં આવેલા લક્ષ્મી સદન, અંધેરી (ઈસ્ટ)માં એમઆઇડીસીમાં આવેલા આકૃતિ ટ્રેડ સેન્ટર, ભાંડુપ (ઈસ્ટ)માં ભાંડુપ વિલેજમાં આવેલા હેમા પાર્ક ટાવર અને હાલમાં જ જ્યાં મોટી આગ લાગી હતી એ શ્રીમંત સોસાયટી કહેવાતા કફ પરેડના જૉલી મેકર જેવાં બિલ્ડિંગો સામે દાદર શિંદેવાડી કોર્ટ અને વિલે પાર્લે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડિંગોમાં આગ લાગ્યા પછી ફાયર પ્રિવેન્શન ઇક્વિપમેન્ટ ન હોવા બાબતે ખુલાસો માગતી નોટિસ ફટકારવામાં આવી છે.’

એમઆઇડીસી = મહારાષ્ટ્ર ઈન્ડિસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન