બાંદરામાં મૉલના પબમાં વહેલી સવારે આગ

12 October, 2014 05:15 AM IST  | 

બાંદરામાં મૉલના પબમાં વહેલી સવારે આગ




ફાયર-બ્રિગેડના જણાવ્યા પ્રમાણે લિન્કિંગ રોડ પર આવેલા વી. એન. સ્ફિયર મૉલમાં ચોથા માળે આવેલા એસ્કોબારમાં સવારે લગભગ ૭.૨૦ વાગ્યે શૉર્ટ-સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળે ફાયર-બ્રિગેડ પાંચ પાણીનાં ટૅન્કરો સાથે દોડી ગઈ હતી. લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. શૉર્ટ-સર્કિટને કારણે લાગેલી આગ એટલી ભીષણ હતી કે આગમાં આખા પબને નુકસાન થયું હતું એટલું જ નહીં, પબની બહાર બાંધવામાં આવેલા કામચલાઉ મંડપને કારણે આગ વધુ ફેલાઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવામાં પણ ખાસ્સો સમય ગયો હતો. લગભગ પોણાઅગિયાર વાગ્યે આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

સદ્નસીબે સવારનો સમય હોવાથી રેસ્ટોરાંમાં તેમ જ બિલ્ડિંગમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાને કારણે કોઈને નુકસાન પહોંચ્યું નહોતું. આગને કારણે પૂરા મૉલની તમામ શૉપ બપોર સુધી બંધ રાખવામાં આવી હતી.