આખરે વિધાનસભ્ય સામે ગુનો નોંધાયો

31 October, 2012 07:54 AM IST  | 

આખરે વિધાનસભ્ય સામે ગુનો નોંધાયો



થાણે શહેરના કેટલાક જાગ્રત નાગરિકોએ વિધાનસભ્યની કંપની દ્વારા ગેરકાયદે વૉટર-કનેક્શન લેવામાં આવ્યું હોવાનું શોધી કાઢ્યું હતું. ઘોડબંદર રોડ પર ચાલી રહેલા વિધાનસભ્યની કંપનીના પ્રોજેક્ટ વિહંગ વૅલી માટે ગેરકાયદે પાણીનું જોડાણ લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એમ કહીને થાણે મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન્સ ઑફિસર સંદીપ માળવીએ કહ્યું હતું કે ‘થાણેના મ્યુનિસિપલ કમિશનર આર. એ. રાજીવને એક નાગરિક દ્વારા મુખ્ય પાઇપલાઇનમાંથી લેવામાં આવેલા ગેરકાયદે જોડાણ વિશેની માહિતી આપવામાં આવી હતી. આ વિશે વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કૈલાસ મુંબઈકરને પ્રfન કર્યો ત્યારે તેણે આવા કોઈ વૉટર-કનેક્શનની માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો. વૉર્ડના ઇનચાર્જ હોવાથી આવા ગેરકાયદે વૉટર-કનેક્શન પર નિયંત્રણ રાખવાની જવાબદારી તેની જ હતી એટલે આ વૉટર-કનેક્શનની માહિતી મળતાં જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે આવી રીતે મેઇન પાઇપલાઇનમાંથી ગેરકાયદે કનેક્શન લેવા માટે વિહંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે કાસરવડવલી પોલીસ-સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.’

બીજી તરફ પ્રતાપ સરનાઈકે ગેરકાયદે વૉટર-કનેક્શન લીધું હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ‘મેં વૉટર ડિપાર્ટમેન્ટ સહિત દરેક ખાતામાંથી આવશ્યક પરવાનગીઓ લીધી છે. આ મને બદનામ કરવાનું એક ષડ્યંત્ર છે.’

દરમ્યાન કાસરવડવલી પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર શરદ મુરકુટેએ કહ્યું હતું કે આ કેસ અમારા પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને એ બાબતે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.