CSMT પર આંદોલન કરીને ટ્રેનો રોકનારા સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘના અધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ FIR

13 November, 2025 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવ્યવહાર ખોરવાઈ જવાને લીધે સર્જાયેલી અંધાધૂંધીને પગલે બે પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર ગેરકાયદે વિરોધ-પ્રદર્શન કરવા બદલ સેન્ટ્રલ રેલવે મઝદૂર સંઘ (CRMS)ના અધિકારીઓ અને ૪૦ સભ્યો તથા સમર્થકો વિરુદ્ધ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ કેસ નોંધ્યો છે.

૯ જૂને થયેલા મુંબ્રા ટ્રેન અકસ્માતના કેસમાં રેલવેના એન્જિનિયરો વિરુદ્ધ નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)નો વિરોધ કરવા CRMSના સભ્યોએ ૬ નવેમ્બરે CSMT પર લગભગ એક કલાક માટે આંદોલન કરીને લોકલ ટ્રેન સર્વિસ ખોરવી નાખી હતી જેને પગલે પીક અવર્સમાં સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ જામી હતી. વિરોધ-પ્રદર્શનના થોડા સમય બાદ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક લોકલ ટ્રેનની અટફેટે આવતાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા અને ત્રણ જણને ઈજા થઈ હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પોલીસે અગાઉથી જ પાંચ કે એથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ આપ્યો હતો છતાં મોટી સંખ્યામાં ભેગા થયેલા આંદોલનકારીઓએ મોટરમેન, ગાર્ડ, ડેપ્યુટી સ્ટેશન મૅનેજર અને સ્ટેશન મૅનેજરને ગેરકાયદે રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને તેમની ફરજ બજાવતા અટકાવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને CSMT રેલવે પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ મંગળવારે સાંજે CRMSના એસ. કે. દુબે, વિવેક સિસોદિયા અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.’

mumbai news mumbai chhatrapati shivaji maharaj terminus csmt indian railways western railway train accident mumbai police