બીજેપી બાદ હવે કૉન્ગ્રેસના નેતાને જાનથી મારી નાખવાની ‘સુપારી’

10 January, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેમ્બુરમાં રહેતા કૉન્ગ્રેસના કાર્યકરે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના મુંબઈ પ્રભારી ચંદ્રકાન્ત હંડોરે ટિકિટ નહીં આપે એમ સમજીને તેમની હત્યાની સુપારી આપી

ચંદ્રકાન્ત હંડોરે

બીજેપીના બાંદરાના વિધાનસભ્ય આશિષ શેલારને ધમકી આપવા બદલ શનિવારે એક વ્યક્તિની ધરપકડ કર્યા બાદ હવે કૉન્ગ્રેસના મુંબઈ પ્રભારી અને ભૂતપૂર્વ વિધાનસભ્ય ચંદ્રકાન્ત હંડોરેની હત્યા કરવા માટે પક્ષના જ એક કાર્યકરે ‘સુપારી’ આપી હોવાની ફરિયાદ પોલીસ-ચોપડે નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપી કૉન્ગ્રેસી કાર્યકર પલાયન થઈ ગયો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ અને મુંબઈ કૉન્ગ્રેસના પ્રભારી ચંદ્રકાન્ત હંડોરેએ પોતાને જાનથી મારી નાખવાની સુપારી પોતાના જ પક્ષના ચેમ્બુરમાં રહેતા કાર્યકર નીલેશ નાનચેએ આપી હોવાની ફરિયાદ ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં બે દિવસ પહેલાં નોંધાવી હતી. બે મહિના પહેલાં પણ કૉન્ગ્રેસના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય પર ડમ્પર ચડાવીને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. એ સમયે પણ કોઈકને તેમની હત્યા કરવા માટેની સુપારી અપાઈ હતી. જોકે જેણે સુપારી લીધી હતી તેણે ચંદ્રકાન્ત હંડોરેને માહિતી આપતાં તેમણે મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યા મુજબ ચેમ્બુરમાં હંડોરે નિવાસમાં રહેતા ચંદ્રકાન્ત હંડોરેએ ૭ જાન્યુઆરીએ ટિળકનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૧ની ૨૮ ડિસેમ્બરે મારા પર ડમ્પર ચડાવીને મને મારી નાખવાનો પ્રયાસ થયો હતો. મારા પક્ષના ચેમ્બુરમાં રહેતા કાર્યકર નીલેશ નાનચેએ સંદીપ ગોરે નામની વ્યક્તિને સુપારી આપીને હંડોરે નિવાસની બહાર જ મને ડમ્પર નીચે કચડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાં હું બાલબાલ બચી ગયો હતો. પછીથી સુપારી લેનાર સંદીપ ગોરેએ મને કહ્યું હતું કે નીલેશ નાનચેએ તમને મારવાનું કહ્યું હતું.’
ટિળકનગરના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે કૉન્ગ્રેસના નેતા ચંદ્રકાન્ત હંડોરેની હત્યા કરવાની સુપારી આપવા બદલ નીલેશ નાનચે સામે આઇપીસીની કલમ ૧૧૫, ૧૨૦(બ), ૫૦૬(૨) અંતર્ગત એફઆઇઆર નોંધ્યો છે. ટૂંક સમયમાં યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરિયાદી ચંદ્રકાન્ત હંડોરે પોતાને ટિકિટ નહીં આપે એમ સમજીને આરોપીએ તેમને ખતમ કરવાનું કાવતરું રચ્યું હોવાનું જણાયું છે. આરોપી પલાયન થઈ ગયો હોવાથી અમે તેને શોધી રહ્યા છીએ.’

mumbai mumbai news chembur congress