જમીનના વિવાદમાં બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય પર ગુનો દાખલ

03 September, 2020 12:31 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

જમીનના વિવાદમાં બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય પર ગુનો દાખલ

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ.

જમીનની માલિકીના હક્ક પરથી વિવાદ શરૂ હતો ત્યારે જબરદસ્તી તેના પર કબજો કરવા પ્રકરણે મીરા-ભાઈંદરના બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને અન્ય એક પર ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભાઈંદર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલે કરેલી ફરિયાદ અનુસાર ભાઈંદર-વેસ્ટ ભાગમાં તોદી વાડીમાં સર્વે ક્રમાંક-૬૫૫, ૬૫૩, ૬૫૭ જેમાં વિવિધ હિસ્સાઓ ગૌરિશંકર તોદી પાસેથી ખરીદી હતી. ગૌરિશંકર તોદીના પરિજનોથી કોર્ટના આદેશ પર કંસેટ ટર્મ ડિગ્રીના પ્રમાણે વર્ષ ૨૦૧૬માં જમીન ખરીદવામાં આવી હોવાથી આ જમીન તેમની માલિકીની છે. આ જગ્યાની પાછળની બાજુએ સિમેન્ટની સેફ્ટી વૉલ અને આગળના ભાગમાં પતરાં લગાડીને ત્યાં સિક્યૉરિટી ગાર્ડ બેસાડવામાં આવ્યા છે. જોકે મંગળવારે રાતે બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા, ભૂતપૂર્વ નગરસેવક પ્રશાંત કેળુસકર, સંજય થરથરે સહિત લગભગ ૩૫થી ૪૦ લોકો આ જગ્યાએ પહોંચ્યા હતા, ત્યાં પહોંચીને તેમણે ત્યાં લગાડેલું બોર્ડ તોડીને ફેંકી દીધું હતું તેમ જ પતરાંની કેબિન પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં રહેલા સિક્યૉરિટી ગાર્ડને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમ હેઠળ નરેન્દ્ર મહેતા, પ્રશાંત કેળુસકર પર ગુનો દાખલ કર્યો છે.

mumbai mumbai news preeti khuman-thakur