કુર્લાની બેકરીમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

07 July, 2021 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે લોકોની દુકાનો અને ગોડાઉન બેકરીની આસપાસ હતાં તેઓ પણ આગ ફેલાય અને તેમના ગાળાને ભરખી જાય એ પહેલાં પોતાનો બની શકે એટલો સામાન એમાંથી કાઢી લઈ અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા હતા. 

કુર્લામાં આવેલી બેકરીમાં લાગેલી આગને બુઝાવી રહેલી ફાયર બ્રિગેડ. તસવીરો - સૈયદ સમીર અબેદી

કુર્લા-વેસ્ટમાં પાઇપ રોડ પર ટીટવાલા કમ્પાઉન્ડમાં આવેલી સરકાર બેકરીમાં ગઈ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બેકરીમાં લાગી હોવાથી ત્યાં લાકડાંનો મોટો જથ્થો હતો જે તરત જ બળવા માંડ્યો હતો. બીજું એ બેકરી બેઠા ઘાટના સ્ટ્રક્ચરમાં હતી. વળી એની આસપાસ પણ એવા જ ગાળા હતા. એટલે એ પણ આ આગની ઝપટમાં આવી ગયા હતા. 
આગ લાગતાં જ હોહા મચી ગઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ કરાયા હતા. જે લોકોની દુકાનો અને ગોડાઉન બેકરીની આસપાસ હતાં તેઓ પણ આગ ફેલાય અને તેમના ગાળાને ભરખી જાય એ પહેલાં પોતાનો બની શકે એટલો સામાન એમાંથી કાઢી લઈ અન્ય સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યા હતા. 
ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં જ ૪ ફાયર-એન્જિન અને ૪ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં, પણ સાંકડી ગલીઓને કારણે ફાયર-એન્જિન બેકરી સુધી પહોંચી શકતાં નહોતાં. એથી દૂરથી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. બે કલાક પાણીનો સતત મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ પછી પણ મોડી સાંજ સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈના ઘાયલ થયાના અહેવાલ નથી, પણ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું કહેવાય છે. 

Mumbai Mumbai News kurla