કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં લાઇટ વગરની દિવાળી

23 October, 2014 04:01 AM IST  | 

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં લાઇટ વગરની દિવાળી






શહેરના કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં આ વર્ષે ખરેખર કાળી દિવાળી છે. ગયા વર્ષે અહીંના રહેવાસીઓએ જાણી જોઈને દિવાળી ઊજવી નહોતી, પરંતુ આ વર્ષે કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં વીજળી ન હોવાથી અહીંના રહેવાસીઓ માટે ખરેખર કાળી દિવાળી છે. અહીંના રહેવાસીઓ વીજળી અને પાણી વગર દિવસો ગુજારી રહ્યા છે. હાલની ઑક્ટોબર હીટમાંથી રસ્તો કાઢવા કેટલાક રહેવાસીઓ મોટા ભાગે બહાર જ રહે છે, જ્યારે ઉપલા માળના રહેવાસીઓને વધુ ગરમી ભોગવવી પડતી નથી. કેટલાક લોકોએ તો ઇમર્જન્સી લાઇટો અને જનરેટરની પણ વ્યવસ્થા કરી છે.

જનરેટરો અને ઇમર્જન્સી લાઇટો કૅમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓની જીવનજરૂરિયાત બની ગઈ છે. મંગળવારે સાંજે ‘મિડ-ડે’એ આ રહેવાસીઓની સ્થિતિ જાણવા કમ્પાઉન્ડની મુલાકાત લીધી ત્યારે કેટલાક ફ્લૅટમાં લાઇટો ચાલુ હતી. છઠ્ઠા માળની લાઇટો પણ ચાલુ હતી. અંતે અહીંના રહેવાસીઓએ તેમની યાતનામાં જીવવાનો રસ્તો શોધી જ લીધો છે.

કૅમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓને હજી આશા છે કે તેમની યાતનાનો કોઈ સકારાત્મક ઉકેલ નીકળશે. એમ લાગે છે કે વીજળી અને પાણી વગર પણ તેઓ તેમના રહેઠાણોનો કબજો છોડવા તૈયાર નથી. ગયા વર્ષે તેમણે દિવાળીનો બહિષ્કાર કયોર્ હતો અને ‘દિવાળી અંધકારનો પડછાયો છે’ એવાં પોસ્ટરો લગાડ્યાં હતાં. આ વર્ષે અહીંના રહેવાસીઓએ દિવાળી ઊજવવાનું નક્કી કર્યું છે અને પાંચમા માળ સુધીના રહેવાસીઓએ લાઇટો મૂકી ડેકોરેશન કરીને દીવા પ્રગટાવ્યા છે.

મિડટાઉન અપાર્ટમેન્ટની રહેવાસી વિદ્યા શ્રીનિવાસે કહ્યું હતું કે ‘આ વર્ષે અમારી દિવાળી ઇમર્જન્સી લાઇટોની મદદથી ઊજવાશે. ગયા વર્ષે અમે દિવાળી ઊજવી નહોતી, પરંતુ આ વર્ષે વીજળી નથી. અમે ઉપલા માળે રહેતા હોવાથી હવાની સમસ્યા નથી, પરંતુ અંધારું એક મોટી સમસ્યા છે એટલે ઇમર્જન્સી લાઇટ વહારે આવી છે.’

શાહ અપાર્ટમેન્ટનાં રહેવાસી સરોજિની શર્માએ કહ્યું હતું કે ‘અમારી દિવાળી સાદી છે અને પરંપરા મુજબ થોડા દીવાઓ પ્રગટાવ્યા છે. રાત્રે અંધારામાં અમારે જનરેટરનો ઉપયોગ કરવા પડે છે. અમે જનરેટરને બહારથી ચાર્જ કરીએ છીએ. સામાન્ય રીતે રાત્રે જ ઉપયોગમાં લેવાતા જનરેટરનો અમે દિવાળીમાં ઉપયોગ કરીએ છીએ.’

ઞ્ સાઉથ વૉર્ડ-ઑફિસના સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે  ‘કૅમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓએ તેમના ફ્લૅટો ખાલી નથી કર્યા તેથી આ ફ્લૅટોનો કબજો તેમની પાસે જ છે. અમે આદેશ મુજબ મૂળભૂત જરૂરિયાતો (વીજળી અને પાણી)નાં કનેક્શનો કાપી નાખ્યાં છે તેથી તેઓ જનરેટર વાપરી શકે છે.’

કૅમ્પા કોલા કમ્પાઉન્ડનો ઇતિહાસ

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં કુલ સાત બિલ્ડિંગો છે, જેમાં કુલ ૩૫ માળ ગેરકાયદે છે. સાતમાંથી એક બિલ્ડિંગ ૨૦ માળનું, એક ૧૯ માળનું, એક આઠ માળનું, એક સાત માળનું અને ત્રણ બિલ્ડિંગો છ-છ માળનાં છે. દરેક બિલ્ડિંગમાં માત્ર પાંચ માળ જ કાયદેસર છે.