નવરાત્રિમાં આશાપુરા માતાના દર્શને જતા ભક્તોના મનમાં એક જ સવાલ

13 September, 2020 07:42 AM IST  |  Mumbai | Mehul Jethva

નવરાત્રિમાં આશાપુરા માતાના દર્શને જતા ભક્તોના મનમાં એક જ સવાલ

એ હાલો...માસ્ક-ગ્લવ્ઝ સાથે ગરબે ઘૂમવા- અમદાવાદમાં ગઈ કાલે નવરાત્રિના ડ્રેસ-રિહર્સલમાં આ યુવતી ચણિયાચોળી સાથે મૅચિંગ એવો સરસમજાનો માસ્ક પહેરીને ગરબે ઘૂમી હતી. તસવીર : એ.એફ.પી.

મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર આવેલા માતાના મઢ એટલે કે કચ્છના આશાપુરામાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો સાઇકલ પર કે ચાલીને અથવા અન્ય વાહનોમાં જાય છે. એમાં સાઇકલ પર કે પગપાળા જતા લોકો માટે ૫૦૦થી વધુ કૅમ્પ રસ્તામાં લાગેલા હોય છે, જેમાં દર્શન કરવા જતા લોકો માટે ખાણી-પીણીની સાથે રહેવાની સુવિધા પણ હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે કૅમ્પનું આયોજન કરતી સંસ્થાઓ પોતાના કૅમ્પ કરવાની નથી.

નવરાત્રિમાં કચ્છના આશાપુરા માનું ખૂબ મહ છે. મુંબઈનાં ૧૮ મંડળો પૈકીના એક ઘાટકોપરના જય માતાજી સાઇકલ ગ્રુપના પ્રમુખ શશી રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લાં ૧૯ વર્ષથી અમારા ગ્રુપમાં આશરે ૫૦ જણ સાઇકલ, બાઇક કે કારમાં મંદિરે દર્શન કરવા જઈએ છીએ. આ વર્ષે માતાના મઢ જઈને માતાનાં દર્શન કરવાં છે અને આ કોરોનાથી પણ બચવું છે.

દાદરના હિન્દમાતાથી જતા શ્રી આશાપુરા યુવા ગ્રુપના પ્રમુખ હિંમત ગોસ્વામીએ કહ્યું કે અમારા મંડળના ૧૫૦ સભ્યો દર વર્ષે સાઇકલ પર માતાનાં દર્શન કરવા જાય છે. કોરોનાની મહામારી વચ્ચે મંડળના સભ્યોની સુરક્ષા પણ જરૂરી છે એને ધ્યાનમાં લેતાં અમે દર્શન માટે ઓછી સાઇકલ મોકલીશું.

કોરોનાને લીધે પરિસ્થિતિ એવી છે કે મંદિર દર્શન માટે ખુલ્લું છે, પણ ત્યાં રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને આ વર્ષે રસ્તામાં પણ કોઈ સંસ્થા કૅમ્પનું આયોજન નથી કરવાની

ભક્તો માટે છેલ્લાં ૧૪ વર્ષથી કૅમ્પનું આયોજન કરતા અને મુલુંડમાં રહેતા પીયૂષ ભીંડેએ જણાવ્યું કે આ વર્ષે સાચી સેવા સરકારને મદદ કરવાની રહેશે. આ સમયે અમે કોઈ કૅમ્પનું આયોજન નથી કરવાના. અમે મુંબઈ સાથે ભારતભરમાંથી આવતા અનેક ભક્તોને સોશ્યલ મીડિયા દ્વારા આની જાણ કરી છે.

આ સંબંધે કચ્છના કલેક્ટર સાથે ફોન અને મેસેજ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

ગુજરાત સરકારે નવરાત્રિની ગાઇડલાઇન બહાર પાડી નથી, પણ હાલમાં અમારું મંદિર દર્શન માટે ખુલ્લું છે. અહીં લોકો માત્ર દર્શન માટે આવી શકે છે. અન્ય કોઈ સુવિધા અહીં નથી એટલે આવનાર વ્યક્તિએ પોતાની તૈયારી સાથે આવવું. આ વર્ષે કોઈ કૅમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું નથી.
- રાજાબાવા, આશાપુરા માતાના મઢના ટ્રસ્ટી

અમારા મંડળના ૧૫૦ સભ્યો દર વર્ષે સાઇકલ પર માતાનાં દર્શન કરવા જાય છે. કોરોનાની મહામારી વચ્ચે મંડળના સભ્યોની સુરક્ષા પણ જરૂરી છે એને ધ્યાનમાં લેતાં અમે દર્શન માટે ઓછી સાઇકલ મોકલીશું.
- હિંમત ગોસ્વામી, શ્રી આશાપુરા યુવા ગ્રુપના પ્રમુખ

નવરાત્રિ નજીક આ‍વતી જાય છે એમ લોકોમાં એની ઇન્તેજારી તો ખરી જ કે આ વખતે નવરાત્રિનાં રૂપરંગ કેવાં હશે? કમર્શિયલ નવરાત્રિની તો માત્ર મુંબઈ જ નહીં, ગુજરાતમાં પણ આયોજનની શક્યતા નહીંવત્ છે. નાની સોસાયટીઓમાં કે શેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે માઈભક્તોને ગરબે રમવા મળી શકે છે. જોકે આ વખતે ખેલૈયાઓએ મૅચિંગ માસ્ક અને ગ્લવ્ઝ પણ શોધવાં પડશે અને તો જ વટ પડશે એ ન ભૂલતા. 

mumbai navratri mumbai news coronavirus covid19 lockdown mehul jethva