એસોસિએશનની ગાંધીગીરી : જેમની દુકાન ખુલ્લી તેમને નોટોનો હાર

01 December, 2011 05:44 AM IST  | 

એસોસિએશનની ગાંધીગીરી : જેમની દુકાન ખુલ્લી તેમને નોટોનો હાર



(બકુલેશ ત્રિવેદી)

મુંબઈ, તા. ૧

એફડીઆઇ (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને રીટેલ ક્ષેત્રમાં મલ્ટિ-બ્રૅન્ડ પ્રોડક્ટ્સ માટે ૫૧ ટકા અને સિંગલ બ્રૅન્ડ પ્રોડક્ટ્સ માટે ૧૦૦ ટકા મંજૂરી આપવાની કેન્દ્ર સરકારની નીતિનો વિરોધ કરવા ભારતભરના વેપારીઓ દ્વારા આજે વેપાર બંધ રાખવામાં આવ્યો છે. ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રેસિડન્ટ મોહન ગુરનાણીએ કહ્યું હતું કે સરકારની આ નીતિ વખોડી કાઢવા વેપારીઓ આજે ૨૪ કલાકનો બંધ રાખશે. આ જ મુદ્દે ફેડરેશન રીટેલ ઑફ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘વેપારીઓના અસ્તિત્વનો સવાલ હોવાથી વેપારીઓ આ બંધને સફળ બનાવવા તેમની દુકાનો બંધ રાખવાના જ છે, પણ જો કોઈ વેપારી તેની દુકાન ખુલ્લી રાખશે તો અમે તેનો વિરોધ તેની દુકાન બંધ કરાવીને નહીં પણ ગાંધીગીરીથી કરીશું. અમે તેને નોટોનો હાર પહેરાવીશું.’

વેપારીના આ બંધને સર્પોટ આપતાં વસઈ ઇન્ડસ્ટ્રિયલ મૅન્યુફૅક્ચરર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ અજય મોદીએ કહ્યું હતું કે ‘એફડીઆઇની આ નીતિને કારણે નરી છેતરપિંડી થવાની શક્યતા છે. વેપારીઓનો તો ખો નીકળી જ જવાનો છે પણ એ પહેલાં સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઓ પણ એના સાણસામાં આવીને ખતમ થઈ જશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું ષડ્યંત્ર છે, જેમાં માત્ર અને માત્ર મલ્ટિનૅશનલ કંપનીઓને જ ખટાવવામાં આવશે. પૉલિટિશ્યનો પણ એમાં સંડોવાયેલા છે. અમે પણ એફડીઆઇનો વિરોધ કરીએ છીએ. વેપારીઓના બંધને અમારો પણ સર્પોટ છે અને અમે પણ આજે એક દિવસનો બંધ પાળીશું.’