ઉત્સવોમાં ઉત્પાત મચાવ્યો તો તુકારામ મુંઢે નહીં છોડે

27 August, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૂંક સમયમાં જ ફેસ્ટિવ સીઝન માટે FDA આદેશો બહાર પાડશે

મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા યોજવામાં આવેલા મીટ ધ પ્રેસ કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે તુકારામ મુંઢે. તસવીર : આશિષ રાજે

પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને હવે ગણેશોત્સવ, રક્ષાબંધન જેવા તહેવારો આવશે ત્યારે મીઠાઈઓ અને અન્ય વાનગીઓની માગ વધશે એવામાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બધાં જ ફૂડ આઉટલેટ્સ પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. FDA કમિશનર તુકારામ મુંઢેએ હાલમાં જ આ બાબતે ફૂડ આઉટલેટ્સને ચેતવણી આપી હતી અને લોકોને પણ હાઈ ફૅટ, સૉલ્ટ અને શુગરી પ્રોડક્ટ્સ ન આરોગવા કાળજી રાખવા જણાવ્યું હતું. 

મુંબઈ પ્રેસ ક્લબ દ્વારા યોજવામાં આવેલા મીટ ધ પ્રેસ કાર્યક્રમ દરમ્યાન તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે અમે આ ફેસ્ટિવ સીઝન દરમ્યાન એક સિસ્ટમ અમલમાં મૂકી રહ્યા છીએ. એક કે બે દિવસમાં આખા ૧૨ મહિનાના પ્લાન વિશે આદેશો પણ બહાર પાડવામાં આવશે. કંઈ પણ અનિચ્છનીય ન બને એ માટે અમારી તૈયારી છે અને વિગતવાર આદેશ આ વિશે એકથી બે દિવસમાં બહાર પાડવામાં આવશે. મારી નાગરિકોને અપીલ છે કે તેમણે તહેવારની મજા માણવી જોઈએ, પરંતુ એ દરમ્યાન તેમણે કોઈ પણ હાઈ સૉલ્ટી, હાઈ શુગરી વાનગીઓનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ, કારણ કે એ તેમના સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ ઉપરાંત સ્કૂલોમાં તો આ પ્રકારની વાગનીઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હોવાનું પણ તુકારામ મુંઢેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર બ્લડ સેન્ટરોને FDAનાં ધોરણોનું કડક પાલન કરવાનો આદેશ

મહારાષ્ટ્રની સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે તમામ બ્લડ સેન્ટર અને સ્ટોરેજ ફેસિલિટીઝને FDA ધોરણોનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. બ્લડ કલેક્શન સેન્ટરોમાં અનેક ખામીઓ જોવા મળી હતી, જ્યારે જૂનમાં બે સેન્ટરો પર રેગ્યુલેટરી અૅક્શન પણ લેવાઈ હતી જેના પગલે હવે સ્ક્રીનિંગ, કૉલ્ડ-ચેઇન જાળવણી, રેકૉર્ડ અને ગુણવત્તા નિયંત્રણના નિયમોનું કડક પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

અત્યાર સુધી શું કાર્યવાહી થઈ?

૨૫ મેથી FDAની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી ૩૧૦૦ ફૂડ બિઝનેસ ઑપરેટર્સ અને ૧૦૦ ડ્રગ સેક્ટરના એસ્ટાબ્લિશમેન્ટની ચકાસણી કરવામાં આવી છે જેમાંથી ૧૬૫નાં લાઇસન્સ રદ થયાં છે અને ૪૫૦ને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra food and drug administration